Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગુજરાતના ૨૦૬ પૈકી ૫૧ ડેમો છલોછલ : ૬૭.૦૫ ટકા જળ જથ્થો

નર્મદા ડેમની આજની સપાટી ૧૨૧.૭૮ મીટર : કુલ ક્ષમતાનું ૫૫.૪૦ ટકા પાણી : ગયા વર્ષની ૨૦ ઓગસ્ટે રાજ્યમાં ૨૩૯૮૬.૫૪ એમ.સી.એફ.ટી. પાણી હતુ, આજે ૧૬૯૨૬.૯૩ : હજુ સારા વરસાદની જરૂર

રાજકોટ તા. ૨૦ : ગુજરાતમાં ચોમાસુ પુરૃં થવામાં છે. હજુ સરેરાશ ૨૫ ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સિંચાઇ અને પીવાના પાણી માટે ઉપયોગી નર્મદા સહિત ૨૦૬ ડેમો આવેલા છે તે પૈકી આજની તારીખે માત્ર ૫૧ ડેમો જ આખા ભરેલા છે. તે ૫૧ પૈકી ૪૮ ડેમો સૌરાષ્ટ્રમાં છે. હવે ડેમોમાં નવા નીરની આવક ન થાય તો ઉનાળામાં સૌરાષ્ટ્ર સિવાઇના વિસ્તારોની પાણીની સ્થિતિ વિકટ બને તેવા સંજોગો છે.  સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૬ પૈકી ૫૧ ડેમો છલોછલ છે. રાજ્યના બધા ડેમોમાં જેટલી જળસંગ્રહ ક્ષમતા છે તે પૈકી ૬૭.૦૫ ટકા પાણી છે. ગયા વર્ષની ૨૦ ઓગષ્ટે રાજ્યના બધા ડેમોમાં મળીને ૨૩૯૮૬.૫૪ એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ હતો. આજે સવારની સ્થિતિએ ૧૬૯૨૬.૯૩ એમસીએફટી પાણી છે. ગયા વર્ષની સરખામણીએ ૭૦૬૧.૬૧ એમ.સી.એફ.ટી. પાણી ઓછું છે.

નર્મદા ડેમની સપાટી આજે સવારની સ્થિતિએ ૧૨૧.૭૮ મીટર છે. ડેમમાં કુલ સંગ્રહ શકિતનું ૫૫.૪૦ ટકા પાણી ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના ૧૪૧માંથી ૪૮ ડેમ આખા ભરાઇ ગયા છે. દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ૩ ડેમ ભરાયા છે. બાકીના ઝોનમાં એક પણ ડેમ છલકાયો નથી.(૨૧.૮)

કયા ઝોનના કેટલા ડેમો આખા ભરેલા ?

ઝોન             ડેમ

સૌરાષ્ટ્ર           ૪૮

દક્ષિણ ગુજરાત   ૦૩

ઉત્તર ગુજરાત    ૦૦

મધ્ય ગુજરાત    ૦૦

કચ્છ             ૦૦

કુલ              ૫૧

(3:07 pm IST)