Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ દિલ્હીના પ્રવાસે : અમિતભાઇની શુભેચ્છા મુલાકાત : નરેન્દ્રભાઇને સાંજે મળશે

ગાંધીનગર,તા.૨૦:  ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે આ પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાતના સીએમ બન્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે.

ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્લી પહોંચ્યા છે. નવ નિયુકત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આજે એક દિવસના દિલ્લી પ્રવાસે છે. સીએમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.તેઓ સાંજે ૪ કલાકે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા બેઠક યોજશે.

જયારે રાત્રે ૧૦ કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પરત આવવા રવાના થશે.ત્યારે ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર પીએમ મોદીને રૂબરૂ મળશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ ચર્ચામાં છે. સીએમ પદની શપથ બાદ તેઓએ રાજયના મંદિરોમાં દર્શન કર્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીના જન્મદિને કાર્યક્રમોમાં ભાગ પણ તેઓએ લીધો હતો.

(3:58 pm IST)