Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દર વર્ષે રૂ.૧૨૦૦૦ કરોડ... સરકાર માટે ATM બનશે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે

૧૨૦ kmphની સ્પીડ અને ૧૨ કલાકની બચત જ નહીં સરકારને તગડી કમાણી કરાવશે : દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વેને વિશ્વનો સૌથી લાંબો એકસપ્રેસ વે માનવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી, તા.૨૦: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે, દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે શરૂ થયા બાદ સરકારને દર મહિને ટોલ તરીકે ૧,૦૦૦થી ૧,૫૦૦ કરોડ રૂપિયાની આવક થશે. એટલે કે, આ એકસપ્રેસ વેથી દર વર્ષે આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા સરકારના ખજાનામાં આવશે. આ એકસપ્રેસ વે ૨૦૨૩માં શરૂ થવાની ધારણા છે. ગડકરીએ તાજેતરમાં દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે પર પ્રગતિની સમીક્ષા કરવા માટે પ્રવાસ કર્યો હતો.

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડતા આ એકસપ્રેસ વેને વિશ્વનો સૌથી મોટો એકસપ્રેસ વે ગણાવવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ 'ભારતમાલા પરિયોજના'ના પ્રથમ તબક્કા હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ સાથે, દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરીનો સમય હાલના ૨૪ કલાકથી ઘટીને અડધો એટલે કે ૧૨ કલાક થઈ જશે. તે વિશ્વનો સૌથી લાંબો એકસપ્રેસ વે હશે. આ આઠ લેન એકસપ્રેસ વેની લંબાઈ ૧૩૮૦ કિમી હશે. તે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ સુધી જશે પરંતુ સરકાર તેને નરીમન પોઇન્ટ સુધી બનાવવાની યોજના બનાવી રહી છે.

(4:01 pm IST)