Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

હિંદુ પ્રેમિકાને મુસ્લિમ પ્રેમીને ચપ્પલથી મારવા ફરજ પડાઈ

ઉત્તર પ્રદેશના મેરઠની ચકચારી ઘટના : હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ મુસ્લિમ યુવકની લવજેહાદના કાયદા હેઠળ ધરપકડના નિષ્ફળ પ્રયાસ કર્યા

મેરઠ , તા.૨૦ : એન્ટિ લવજેહાદનો કાયદો ધરાવતા ઉત્તરપ્રદેશમાં હિન્દુ પ્રેમિકાને તેના મુસ્લિમ પ્રેમીને ચપ્પલ મારવા ફરજ પડાઈ હોવાની એક ઘટના બની છે. હિન્દુવાદી સંગઠનોએ કપલને પકડ્યું હતું, અને છોકરીને પ્રેમીને ચપ્પલથી મારવા ફરજ પાડી હતી.

ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ ત્યારબાદ મુસ્લિમ યુવકની લવજેહાદના કાયદા હેઠળ ધરપકડ થાય તેવા પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસે તેમના પર રાયોટિંગની કલમ લગાવી દીધી હતી.

મેરઠમાં બનેલી ઘટનામાં શુક્રવારે કપલ એક ઝાડ નીચે બેઠું હતું. હિન્દુ જાગરણ મંચના જિલ્લા પ્રમુખ સચિન સિરોહીના જણાવ્યા અનુસાર, એક દુકાનદારે તેમને જતાં જોયાં હતાં અને અંગે જાણ કરી હતી. માહિતી મળતા હિન્દુવાદી સંગઠનના ૧૧ જેટલા કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને કપલને પકડીને તેમના નામ પૂછ્યા હતા

નામ પૂછતા છોકરી હિન્દુ અને છોકરો મુસલમાન હોવાની ખબર પડતાં છોકરાને મારવામાં આવ્યો હતો. ત્યારબાદ છોકરીને પણ તેને ચપ્પલ મારવાની ફરજ પાડવામાં આવી હતી. ઘટનાના ૫૬ સેકન્ડમાં એક વ્યક્તિ છોકરીને એવું કહેતો સાંભળી શકાય છે કે, તારા ચપ્પલ કાઢ અને તેના ચહેરા પર ફટકાર.

છોકરીને એવું પણ કહેવામાં આવે છે કે અમે તારા ભાઈઓ છીએ, અને અહીં ઉભા છીએ. તારી જોડે જે હોય તેનાથી તેને માર. તે વખતે ટોળામાંથી એક વ્યક્તિ એવું પણ બોલે છે કે છોકરીની જોડે ઉભા રહી સિગરેટ પીવાની તારી હિંમત કેવી રીતે થઈ? કોઈ એવું પણ બોલે છે કે તેના ફોનમાં છોકરીના ફોટા પણ છે... તે વખતે વિડીયો પૂરો થઈ જાય છે. માર મરાયા બાદ યુવકને મરઘો બનવાની પણ ફરજ પાડવામાં આવી હતી, અને ત્યારબાદ તેને ફરી મારવામાં આવ્યો હતો. ઘટનાક્રમ લગભગ અડધો કલાક સુધી ચાલ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

જોકે, પોલીસ સ્ટેશનમાં છોકરીએ પ્રેમીના પક્ષે બોલતા જણાવ્યું હતું કે પ્રેમીએ તેની સાથે કોઈ ગેરવર્તન નથી કર્યું. પોતાની મરજીથી તે તેની સાથે ઉભી હતી તેમ પણ તેણે કહ્યું હતું. ત્યારબાદ હિન્દુવાદી સંગઠનો દ્વારા મુસ્લિમ યુવક વિરુદ્ધ તેની એક મિત્રની માતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં ફરિયાદ ખોટી હોવાનું માલૂમ પડ્યું હતું.

સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના અધિકારી દિવ્યેશ સિંઘના જણાવ્યા અનુસાર, મામલે સચિન સિરોહી અને અન્ય અજાણ્યા શખસો વિરુદ્ધ તપાસ શરુ કરવામાં આવ્યું છે. શનિવારે રાત્રે તમામ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જલ્દી તેમની ધરપકડ પણ કરવામાં આવશે.

(7:39 pm IST)