Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પાકિસ્તાન ભારે વરસાદ અને ભયંકર પૂરની આફત બાદ હવે મહામારીનો ખતરો : WHO ની ચેતવણી

, બીમારીઓ અને મૃત્યુની બીજી લહેર પાકિસ્તાનમાં વધુ વિનાશનું કારણ બની શકે : WHO

ઈસ્લામાબાદ:પાકિસ્તાન વરસાદ અને પૂરની ભયાનક આફત સામે ઝઝૂમી રહ્યું છે. આ અભૂતપૂર્વ પૂરમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાયેલી આ આફતથી પાકિસ્તાનને આર્થિક સ્તરે પણ ઘણું નુકસાન થયું છે. લાખો લોકો બેઘર બન્યા છે અને રસ્તાના કિનારે રહેવા મજબૂર છે. પાકિસ્તાન પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું.

હવે WHOએ પાકિસ્તાનમાં બીજી આફત આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ડબ્લ્યુએચઓ અનુસાર, બીમારીઓ અને મૃત્યુની બીજી લહેર પાકિસ્તાનમાં વધુ વિનાશનું કારણ બની શકે છે.
WHOએ એક નિવેદનમાં કહ્યું કે, "અમે પાકિસ્તાનમાં બીજી આફતના ભયને લઈને ખૂબ જ ચિંતિત છીએ." પૂર બાદ પાકિસ્તાનમાં આરોગ્ય સેવાઓ અને માળખાગત સુવિધાઓને ખરાબ રીતે અસર થઈ છે. આવી સ્થિતિમાં પાણી ઓસર્યા પછી પણ લાખો લોકોના માથે મોત મંડરાઈ રહ્યું છે. ખોરવાતા પાણીના પુરવઠાને કારણે લોકોને ગંદુ પાણી પીવું પડે છે. જેના કારણે કોલર અને ઝાડા-ઉલટી ફેલાઈ રહી છે. તે જ સમયે, મચ્છરો સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે જે મેલેરિયા અને ડેન્ગ્યુ ફેલાવી શકે છે.
ડબ્લ્યુએચઓ કહે છે કે આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ અસુરક્ષિત જન્મ, ડાયાબિટીસ અને હૃદય રોગવાળા લોકો માટે જોખમ અને બાળકોના રસીકરણમાં અવરોધો તરફ દોરી જશે. WHOનું કહેવું છે કે જો આ ખતરાને ઓછો કરવો હોય તો સ્વાસ્થ્ય સેવાઓમાં તાત્કાલિક અસરથી સુધારો કરવો પડશે. WHO આ મામલે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યા છે અને લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના લોકોને બચાવવા માટે 10 મિલિયન ડોલરનું ફંડ બહાર પાડવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર પાકિસ્તાનમાં પૂરથી 16 મિલિયન બાળકો પ્રભાવિત થયા છે. અનેક બાળકો ડેન્ગ્યુ, ઝાડા અને ચામડીના રોગોનો શિકાર બન્યા છે. આ પૂરમાં ઓછામાં ઓછા 530 બાળકોના જીવ ગયા છે. તે જ સમયે, બાળકો તેમના પરિવાર સાથે અસુરક્ષિત સ્થળોએ રહેવા માટે મજબૂર છે. શાળાઓ બંધ છે અને હોસ્પિટલોના વિનાશને કારણે બાળકોને આરોગ્ય સેવાઓ મળી શકતી નથી. લોકોએ રસ્તાની બાજુમાં આશ્રય લીધો છે, આવી સ્થિતિમાં અકસ્માતનો પણ ભય છે.

 

(10:35 pm IST)