Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જીએસટીનું અજબ ગજબ : માસિક અને વાર્ષિક રિટર્નના HSN કોડમાં વિસંગતતા

માસિક રિટર્નમાં ૬, વાર્ષિકમાં આઠ આંકડાનો કોડ આપવાનો નિયમ : નાણાકીય વર્ષના છ માસ વિત્‍યા પછી નિયમ લાગુ કરાતા વેપારીઓમાં કચવાટ

નવી દિલ્‍હી,તા. ૨૦ : જીએસટીમાં કરવામાં આવતા કેટલાક નિર્ણયોને કારણે વેપારીઓએ વેપાર કરવો કે રિનર્ટ ભરવા તેની પળોજણમાંથી જ બહાર નીકળી શકતા નથી. કારણ કે વાર્ષિક રિટર્નમાં હવે આઠ આંકડાના એચએસએન કોડ આપવાનો હોવાથી વેપારીઓની તકલીફ વધી છે. તેમાં પણ ચાલુ નાણાકીય વર્ષને છ મહિના વીતી  ગયા બાદ આ નિયમ અમલમાં મુકતા વેપારીઓએ પાછલા ચોપડા તપાસીને વાર્ષિક રિટર્ન ભરવા પડે તેમ છે.

જીએસટી માસિક અને વાર્ષિક રિટર્નમાં એચએસએન કોડ લખવાના નિયમોથી વેપારીઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. તે માટેનું કારણ એવું છે કે જીએસટી માસિક રિટર્નમાં એચએસએન કોડ લખવાનો નિયમ જુલાઇ માસથી લાગુ કરવામાં આવ્‍યો છે. જ્‍યારે વાર્ષિક રિટર્ન ડિસેમ્‍બરના અંત પહેલા ભરવાનું હોય છે. જેથી મોટાભાગના વેપારીઓ એચએસએન કોડ લખવા માટે એપ્રિલ માસથી માર્ચ મહિનાના ચોપડા તપાસીને તેને લખવા પડે તેમ છે. આ ઉપરાંત જીએસટી માસિક રિટર્નમાં છ આંકડાનો એચએસએન કોડ આપવાનો હોય છે. જ્‍યારે વાર્ષિક રિટર્નમાં આઠ આંકડાનો કોડ માંગવામાં આવતા વેપારીઓની તકલીફમાં વધારો થયો છે.

 

૫૦ હજાર સુધીનો દંડ વસૂલવાનો નિયમ

વાર્ષિક રિટર્નમાં એચએસએન કોડ લખવામાં નહીં આવે તો ૫૦ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જ્‍યારે એચએસએન કોડ લખવામાં આવે કે નહીં લખવામાં આવે તેના કારણે સરકારે એક પણ રૂપિયાની આવક ગુમાવવી પડે તેમ નથી. કારણ કે બિલ બનાવતી વખતે કઇ વસ્‍તુનું વેચાણ કરવામાં આવ્‍યુ તેની જાણકારી માટે એચએસએન કોડ લખવાનો હોય છે. તેથી સરકારને કઇ વસ્‍તુનું વેચાણ વધુ થઇ રહ્યું છે તેની જાણકારી માટે એચએસએન કોડ લખવાનો નિયમ લાગુ કરવામાં આવે તો વેપારીઓ તે પ્રમાણેની તૈયારી કરી શકતા હોય છે. જ્‍યારે નાણાકીય વર્ષ પુરૂ થયાના છ મહિના પછી નિયમ લાગુ કરવામાં આવતા વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે.

(11:11 am IST)