Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ચૂંટણી પહેલા મહાપડકાર : ૧૮ આંદોલનના ચક્રવ્‍યુહમાં સરકાર ફસાણી

આંદોલન નગરી બનેલુ ગાંધીનગર : હવે જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામાં સફળ રહેશે કે નહીં ? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે ?

નવી દિલ્‍હી,તા. ૨૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્‍યારે સરકાર માટે આંદોલન માથાનો દુખાવો બની રહ્યા છે. સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. માજી સૈનિકોનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, આંગણવાડી બહેનોનું આંદોલન, વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન, ભારતીય કિસાન સંઘનું આંદોલન સરકારને ઘેરી રહ્યું છે, ત્‍યારે આંદોલનના સમાધાન માટે સરકારે કમિટી બનાવી છે. પરંતુ ગાંધીનગરમાં છેલ્લા ૭ દિવસથી ધરણા પર બેસેલા પૂર્વ સૈનિકો પોતાની પડતર માગણીઓ પર અડગ જોવા મળી રહ્યા છે. તેમણે મેડલ પરત કરવા રાજયપાલને પત્ર પણ લખ્‍યો છે.

સરકાર સામે ૧૮ જેટલા આંદોલનનું ચક્રવ્‍યૂહ જોવા મળી રહ્યું છે. જેમાં વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, LRD મહિલા ઉમેદવારો મેદાને, કોન્‍ટ્રાક્‍ટ આધારિત કર્મચારીઓનો વિરોધ, ST અને બોર્ડ નિગમના કર્મચારીઓનો વિરોધ, મધ્‍યાહન ભોજનના કર્મચારીઓના પણ ધરણાનો સમાવેશ થાય છે.

રાજયમાં જંગલ ખાતામાં વન રક્ષક અને વનપાલ તરીકે મોટી સંખ્‍યામાં નાના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. તેમને હાલ મામુલી વેતન મળતું હોવાથી જેની સામે કામગીરી જેટલું સન્‍માનજનક વળતરરૂપી પગાર મળે તે માટે સામુહિક રીતે આ વર્ગના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વનરક્ષકની માગ અંગે વાત કરીએ તો, વનરક્ષકને રૂ. ૨,૮૦૦નો ગ્રેડ પે આપવા માગ, વનપાલ કર્મચારીઓને રૂ. ૪૨૦૦નો ગ્રેડ પે આપવા માંગ, રાજાના દિવસનો પગાર આપવા માગ, ડ્‍યુટીના કલાકો નક્કી કરવા માગ કરાઇ રહી છે. આ પ્રકારની માગણીઓ વનરક્ષકોએ રાજય સરકાર સમક્ષ મૂકી છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ માંગણીઓ કરી રહ્યા છે પરંતુ તેમની માગણીઓનું કોઈ નિરાકરણ આવતું નથી.

આમ ચૂંટણી નજીક આવવાની સાથે જ સરકારી કર્મચારીઓના આંદોલનોને વેગ મળ્‍યો છે અને તેઓ પોતાની વિવિધ માગણીઓ મુદ્દે સરકારનું નાક દબાવવા પ્રયત્‍નો કરી રહ્યા છે. ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગતું અને આ વખતે તેમના સામે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ છે, ત્‍યારે આંદોલન મામલે કોંગ્રેસે પણ સરકારને ધેરવાનો પ્રયત્‍ન કર્યો છે. જોકે, આંદોલનો ઉગ્ર ન બને તે માટે આંદોલન નગરી બનેલું ગાંધીનગર હાલ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે. હવે જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામા સફળ રહેશે કે નહીં? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે?.

(10:08 am IST)