Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી લંબાવાશે

સરકાર ટૂંકસમયમાં કરશે નિર્ણયᅠ

સરકાર ટૂંક સમયમાં ૩૦ સપ્‍ટેમ્‍બરથી ગરીબોને મફત રાશન આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના ને લંબાવવાનો નિર્ણય લેશે. આ પગલાથી લગભગ ૮૦ કરોડ ગરીબોને ફાયદો થશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે, સરકારે નક્કી કરવાનું છે કે યોજનાની અવધિ લંબાવવી કે નહીં. જોકે, આ અંગે ક્‍યારે નિર્ણય લેવામાં આવશે તે તેમણે સ્‍પષ્ટ કર્યું નથી. માર્ચ, ૨૦૨૦માં શરૂ થયેલી આ યોજનાની અવધિ ઘણી વખત લંબાવવામાં આવી છે. અત્‍યારે તે ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી માન્‍ય છે.

સરકાર ટૂંક સમયમાં ઓક્‍ટોબરથી શરૂ થતા આગામી માર્કેટિંગ વર્ષ માટે ખાંડના નિકાસ ક્‍વોટાની જાહેરાત કરશે. સરકારે મે મહિનામાં ૧૦૦ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી. બાદમાં તે વધારીને ૧૨ લાખ ટન કરવામાં આવ્‍યું હતું.

૨૬ માર્ચે, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજનાને બીજા છ મહિના માટે એટલે કે ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ સુધી લંબાવી હતી. માર્ચ સુધી આ યોજના પર લગભગ ૨.૬૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્‍યા છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ સુધીમાં વધુ ૮૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ રીતે, પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના હેઠળ કુલ ખર્ચ લગભગ ૩.૪૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. યોજનાના છઠ્ઠા તબક્કા  સુધી કુલ ૧,૦૦૦ લાખ ટનથી વધુ અનાજનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું છે.

ખાદ્ય સચિવે કહ્યું કે, દેશમાં ૨૪ મિલિયન ટન ઘઉંનો પૂરતો સ્‍ટોક છે. જરૂર પડશે તો સંગ્રહખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે જેથી સ્‍થાનિક સપ્‍લાય વધારી શકાય. સરકાર ઘરેલુ ઉપલબ્‍ધતા વધારવા માટે વેપારીઓ દ્વારા ઘઉંના સ્‍ટોકની જાહેરાત અને સ્‍ટોક લિમિટ લાદવા જેવા પગલાઓ પર વિચાર કરી શકે છે. સટ્ટાના કારણે ઘઉંના ભાવમાં વધારો થયો હોવાનું તેમણે જણાવ્‍યું હતું. ૨૦૨૧-૨૨ પાક વર્ષની રવિ સિઝનમાં ઘઉંનું ઉત્‍પાદન ૧૦૫ મિલિયન ટન થવાનો અંદાજ છે.

સપ્‍ટેમ્‍બર સુધી લંબાવવામાં આવેલી ફ્રી ફૂડ સ્‍કીમથી ફૂડ સબસિડી વધીને રૂ. ૮૦,૦૦૦ કરોડ થશે. જો આ યોજના સપ્‍ટેમ્‍બર પછી પણ ચાલુ રાખવામાં આવે તો સરકારી તિજોરી પર વધુ બોજ વધશે. નાણા મંત્રાલયે હાથ ઊંચા કરી દીધા છે ત્‍યારે પૈસા ક્‍યાંથી આવશે તે મોટો પ્રશ્ન છે. મંત્રાલય પહેલેથી જ કહી ચૂક્‍યું છે કે આ યોજના પર ખર્ચ તેની મર્યાદા સુધી પહોંચી ગયો છે. સપ્‍ટેમ્‍બર પછી પણ ફ્રી ફૂડ સ્‍કીમ કે અન્‍ય કોઈ મોટી ટેક્‍સ મુક્‍તિ માટે કોઈ જગ્‍યા નથી.

વાસ્‍તવમાં તેલ પર ટેક્‍સ ઘટાડીને સરકારને એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે ચેતવણી આપી છે કે જો સરકાર આવો કોઈ નિર્ણય લેશે તો તેના ગંભીર પરિણામો આવશે. નાણાકીય નુકસાન બેકાબૂ બની શકે છે.

વિભાગનું કહેવું છે કે ખાદ્ય સુરક્ષાનો મામલો હોય કે તિજોરીની સ્‍થિતિ, કોઈપણ સંજોગોમાં સપ્‍ટેમ્‍બર પછી પીએમજીકેવાયને લંબાવવાની સલાહ આપી શકાય નહીં.

વિભાગે એક નોંધમાં જણાવ્‍યું છે કે મફત અનાજની યોજનાની સમયમર્યાદા લંબાવવાથી, ખાતરની સબસિડીમાં વધારો, પેટ્રોલ અને ડીઝલના ચાર્જમાં ઘટાડો અને અન્‍ય ઘણા પગલાઓએ નાણાકીય સ્‍થિતિ પર દબાણ કર્યું છે. સરકાર હવે રાજકોષીય ખાધ ઘટાડવામાં મુશ્‍કેલીનો સામનો કરી રહી છે.

(11:02 am IST)