Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રે મને લાગ્‍યો રે વિદેશનો રંગ

ગરબાના અનેક કલાકારો વિદેશ ગયા અથવા જવાની તૈયારીમાં : વિદેશોમાં પણ મચશે ગરબાની ધુમઃ પ્રી અને પોસ્‍ટ નવરાત્રીના કાર્યક્રમો

નવી દિલ્‍હી, તા.૨૦: અમદાવાદના એક ગરબા ગાયક પ્રકાશ પરમાર છેલ્લા બે વર્ષથી અન્‍ય જોબ કરવા મજબૂર હતા કેમ કે કોરોના મહામારીના કારણે નવરાત્રીનું આયોજન નહોતું થઇ શકયું. જો કે આ વખતે એક ગ્રુપના ભાગરૂપે પરમાર બે મહિના માટે અમેરિકા ગયા છે જયાં તે જયોર્જીયાના કૃષ્‍ણ મંદિર અને અન્‍ય પ્રાઇવેટ ગરબાઓમાં ગાવાના છે.

કોરોનાના કેસો દિનબદિન ઘટી રહ્યા છે પરિણામે બધે નવરાત્રી ફીવર છવાઇ ગયો છે કલાકારો માટે સારા સમાચાર એ છે કે ગરબાના સેલેબ્રીટી ગાયકો અને સંગીતકારો જ નહીં પણ અન્‍ય કલાકારો પણ ભારતીય સંસ્‍કૃતિની રજૂઆત માટે વિદેશોમાં જઇ રહ્યા છે.

આ વર્ષે અરવિંદ વેગડા, ઐશ્‍વર્યા મજૂમદાર અને કિર્તીદાન ગઢવી સહિતના અન્‍ય નામાંકિત કલાકારો નવરાત્રી પહેલાના અને નવરાત્રીના કાર્યક્રમો માટે વિદેશ જઇ રહ્યા છે.

વેગડાએ કહ્યું, ‘હું અત્‍યારે ટેક્ષાસના હાઉસ્‍ટનમાં રાત્રી બીફોર નવરાત્રી કાર્યક્રમ માટે આવ્‍યો છુ. અહીંના કાર્યક્રમો પતાવીને હું નવરાત્રીની આગલી રાત્રે અમદાવાદ પાછો ફરીશ. ગરબાના એક કાર્યક્રમ માટે મારે દુબઇ પણ જવાનું છે. આ વખતે નવરાત્રીનું બજાર બહુ ગરમ હોવાથી કલાકારોની માંગ બહુ જ વધારે છે અને મોટા ભાગના કલાકારો બે વર્ષના અંતરાલ પછી સ્‍ટેજ પર જોવા મળશે.

અમદાવાદના અન્‍ય એક ગાયક ભરત ચાવડાએ કહ્યું, ‘મને આશા છે કે બે વર્ષમાં મને થયેલ નુકશાન આ વર્ષે સરભર થઇ જશે. હું ગાવા માટે અમેરિકા જઇ રહ્યો છું અને સારી આવતીકાલની આશા રાખી રહ્યો છું. છેલ્લા બે વર્ષમાં મેં અને મારા સાથી કલાકારોએ ઘણી તકલીફો ભોગવી છે.'

(1:00 pm IST)