Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૌહર યુનિવર્સિટીમાં ખોદકામ દરમિયાન ગુમ થયેલ કરોડોનું મશીન મળ્‍યું

આઝમ ખાનની મુશ્‍કેલી વધી : સપા નેતાના ધારાસભ્‍ય પુત્રના કહેવાથી મશીનને કાપીને જમીનમાં દાટી દેવાયેલ

રામપુરઃતા.૨૦: ફરી એક વખત સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમખાનની મુશ્‍કેલી વધી ગઈ છે. સોમવારે આઝમખાનની જૌહર યુનિવર્સિટીની અંદર રામપુર જિલ્લા તંત્રનું બુલડોઝર પહોંચ્‍યું હતું. પોલીસે આઝમ ખાનના પુત્ર અબ્‍દુલ્લા આઝમના સમર્થકોના કહેવા પર જૌહર યુનિવર્સિટીમાંથી ખોદકામ કર્યા બાદ રામપુર નગરપાલિકાનું સફાઈ મશીન મેળવ્‍યું હતું. યુનિવર્સિટીમાંથી મળ્‍યા બાદ હંગામો મચી ગયો છે. આ મામલે પોલીસે આઝમખાન, અબ્‍દુલા આઝમ સહિત ૭ લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. સપા સરકારમાં સફાઈ કરવા માટે કરોડો રૂપિયાનું મશીન નગરપાલિકા રામપુરે ખરીદ્યું હતું. બીજી તરફ જ્‍યારે ૨૦૧૭માં બીજેપીની સરકાર આવી અને મશીન શોધ્‍યું તો જાણવા મળ્‍યું કે, તે મશીન યુનિવર્સિટીની અંદર કાપીને ડાટી દેવામાં આવ્‍યું હતું. તે મશીનને સોમવારે પોલીસે ખોદકામ બાદ મોળવ્‍યું હતું.

જૌહર યુનિવર્સિટીમાં થયેલી આ કાર્યવાહી વિશે જણાવતા એડિશનલ એસપી સંસાર સિંહે જણાવ્‍યું કે, જુગારના આરોપમાં બે આરોપી પકડાયા હતા તેમાંથી એકનું નામ સાલિમ છે અને બીજાનું નામ અનવર છે. આ બંને આઝમના ધારાસભ્‍ય પુત્ર અબ્‍દુલ્લાના ખૂબ જ નજીકના હતા. તેમણે પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા હતા. જેના આધારે વોકર અલીએ કોતવાલીમાં કેસ દાખલ કરાવ્‍યો હતો.

કેસ પ્રમાણે પૂર્વની સરકારમાં નગર પાલિકાએ જમીન સફાઈ માટે એક ખૂબ મોટું મશીન ખરીદ્યું હતું તેની કિંમત કરોડોમાં હતી. મશીનનો ઉપયોગ સામાન્‍ય જનતાના બદલે યુનિવર્સિટીમાં કરવામાં આવી રહ્યો હતો. જ્‍યારે નવી સરકાર બની તો તે મશીનને શોધવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ યુનિવર્સિટી તંત્ર, કુલપતિ અને તેમના સાથીઓએ મળીને તે મશીનને કપાવીને જમીનમાં દાટી દીધું હતું.

(4:10 pm IST)