Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગુજરાતમાં અમારી સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે: રાહુલ ગાંધીનું ટ્વીટ

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ, “જૂની પેન્શન યોજના ખતમ કરી, ભાજપે વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા. દેશને મજબૂત કરનારા સરકારી કર્મચારીઓનો હક છે જૂનું પેન્શન

નવી દિલ્હી : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજનાને લઇને કર્મચારીઓ ગાંધીનગરમાં સચિવાલય બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ગુજરાતમાં અમારી સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ, “જૂની પેન્શન યોજના ખતમ કરી, ભાજપે વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા. દેશને મજબૂત કરનારા સરકારી કર્મચારીઓનો હક છે જૂનું પેન્શન, અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના લાગુ કરી. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર આવશે, જૂની પેન્શન લાવશે.

વર્ષ 2004 પછી ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગમાં નોકરી મેળવનારા કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મુકવામાં આવી છે, તેની સામે હવે ગુજરાતના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે પણ સરકારી કર્મચારીઓને પોતાની તરફ ખેચવા આ પેન્શન સ્કીમનો મુદ્દો બનાવ્યો છે.

ગુજરાતમાં અનેક સરકારી કર્મચારીઓ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર જૂના સચિવાલય બહાર મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ભેગા થઇને વિરોધ કરી રહ્યા છે.

જૂની પેન્શન સ્કીમમાં નિવૃતિ સમયે કર્મચારીના વેતનની અડધી રકમ પેન્શનના રૂપમાં આપવામાં આવે છે. જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાંથી કોઇ નાણાં કપાતા નથી. જૂની પેન્શન સ્કીમની ચુકવણી ટ્રેઝરી માધ્યમથી થાય છે. આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઇટીની રકમ મળી શકતી હતી. આ સ્કીમમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ- જીપીએફની જોગવાઇ છે. આ સ્કીમમાં નિવૃત કર્મચારીનું મૃત્યુ થતા તેના પરિવારજનોને પેન્શનની રકમ મળે છે.

(7:18 pm IST)