Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

T20 સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 4 વિકેટે વિજય, કેમરુન ગ્રીનની તોફાની ઈનીંગ

ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી:હાર્દિક પડ્યાની આક્રમકઃ બેટિંગના સહારે ભારતે 209 રનનુ વિશાળ લક્ષ્ય ઓસ્ટ્રેલિયાને આપ્યુ હતુ.

મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની પ્રથમ મેચ જીતી લઈને શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 209 રનનુ ટાર્ગેટ નિર્ધારીત 20 ઓવરમાં આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાએ કેમરુન ગ્રીનની આક્રમક રમત વડે સારી શરુઆત કરી ભારતીય બોલરોને પરેશાન કરી દીધા હતા. જોકે ભારતીય બોલર અક્ષર પટેલ અને ઉમેશ યાદવે ઓસ્ટ્રેલિયાને ઉપરા છાપરી ઝટકા આપ્યા હતા. પરંતુ અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે જીત મેળવી લીધી હતી. મેથ્યૂ વેડેએ અંતમાં ઓસ્ટ્રેલિયા માટે જીત માટેની ઈનીંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયન ઓપનર કેમરુન ગ્રીન અને સુકાની આરોન ફિંચે આક્રમક રમતની શરુઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાની ઈનીગની શરુઆત છગ્ગા સાથે થઈ હતી. ભૂવનેશ્વર કુમાર સામે આરોન ફિંચે ઈનીગના પ્રથમ બોલ પર કવર્સ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ પ્રથમ બોલથી જ આક્રમકતા કાંગારુ ટીમે અપનાવી હતી. જોકે ફિંચના રુપમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. ચોથી ઓવરમાં સ્પિનર અક્ષર પટેલ આવ્યો હતો અને અને ત્રીજા બોલ પર તેણે ફિંચને બોલ્ડ કર્યો હતો. અક્ષરે સ્ટમ્પની લાઇનમાં એક સીધો, ઝડપી બોલ રાખ્યો હતો, જેને ફિંચ મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો અને સ્ટમ્પ ઉડી ગયા હતા. તેણે 13 બોલમાં 22 રન 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે નોંધાવ્યા હતા.

11 મી ઓવરમાં કેમરનુ ગ્રીન પણ આઉટ થયો હતો. તે અક્ષર પટેલના બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં વિકાટ કોહલીના હાથમાં કેચ આપી દીધો હતો. તેણે 30 બોલમાં 61 રનની આક્રમક ઈનીંગ રમી હતી. ગ્રીને 4 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.

 

અક્ષર પટેલે ગ્રીનને જીવતદાન આપ્યું હતુ. આઠમી ઓવરનો ત્રીજો બોલ હાર્દિક પંડ્યા દ્વારા શોર્ટ ફેંકવામાં આવ્યો હતો, જેને ગ્રીને પુલ કર્યો હતો અને બોલ ડીપ મિડવિકેટ પર ઉભેલા અક્ષર પટેલ પાસે ગયો હતો. પટેલે પોતાના હાથમાં આવેલો કેચ ડ્રોપ કર્યો હતો, આમ ગ્રીનને જીવતદાન આપ્યું હતું. કેએલ રાહુલે પણ સ્ટીવ સ્મિથને જીવતદાન આપ્યું હતુ. નવમી ઓવરના પાંચમા બોલ પર સ્મિથે પટેલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ કેએલ રાહુલના હાથમાં ગયો હતો, જયાં તેણે કેચ છોડ્યો હતો. આમ બે સળંગ ઓવરમાં બે કેચ ડ્રોપ કર્યા હતા. જે એવા સમયે કે ઓસ્ટ્રેલિયા પોતાનો પક્ષ મજબૂત કરી રહ્યુ હતુ

  યાદવને લાંબા સમય બાદ મોકો મળ્યો છે. તેણે શરુઆત થી જ પોતાની ઓવરમાં ખૂબ જ રન ગુમાવ્યા હતા. ચોગ્ગા અને છગ્ગાનો માર સહન કર્યો હતો. જોકે 12 મી ઓવરમાં પણ આવો જ સિલસિલો શરુ થયો હતો, ત્યાં જ તેણે 2 વિકેટ ઓવરમાં ઝડપીને કમાલ કરી દીધો હતો. સાથે જ ભારતીય ચાહકો પણ ખૂશીથી ઝૂમી ઉઠ્યા હતા. કારણ કે મેચ માટે આ બંને વિકેટ પાસુ પલટવા પૂરતી હતી. ઉમેશે પહેલા સ્ટિવ સ્મિથ 24 બોલમાં 35 રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં ઓવરના અંતિમ બોલ પર ગ્લેન મેક્સવેલની વિકેટ તેણે ઝડપી હતી. બંને વિકેટ રિવ્યૂ વડે મેળવી હતી.

  એક સમયે ઉમેશ યાદવ અને અક્ષર પટેલે વિકેટો નિકાળતા જ ઓસ્ટ્રેલિયાની ઈનીંગ મુશ્કેલ સ્થિતીમાં આવી ગઈ હતી. અક્ષરે 3 અને ઉમેશે 2 વિકેટ ઝડપી હતી. આ સમયે ભારતીય ટીમને એક સમયે મેચ પોતાના પક્ષે આવી હોવાનો વિશ્વાસ પેદા થયો હતો. પરંતુ મેથ્યૂ વેડેએ ભારતીય બોલરો પર આક્રમક રમત રમવાની શરુઆત કરતા જ ભારતની આશાઓ પર પાણી ફરવા લાગ્યુ હતુ. વેડેએ 21 બોલમાં 45 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા નોંધાવ્યા હતા. સ્ટિવ સ્મિથે આ પહેલા 24 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. ટિમ ડેવિડે 14 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.

(11:12 pm IST)