Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પત્ની સાથેના ઝઘડા બાદ રોષે ભરાયેલ પતિએ તેના ઘરને આગ ચાંપી : પાડોશના 10 ઘરોને ઝપટમાં લીધા

મહારાષ્ટ્રના મઝગાંવ ગામ ગુસ્સે ભરાયેલ સંજયે ઘરમાં પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી

મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ-પત્નીના ઝઘડાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે પાડોશના લોકોને પણ તેનો ભોગ બનવું પડ્યું. પત્ની સાથેના ઝઘડા બાદ ગુસ્સે ભરાયેલા પતિએ તેના ઘરને આગ ચાંપી દીધી હતી. થોડી જ વારમાં આગે પાડોશના 10 ઘરોને ઝપટમાં લીધા હતા

મહારાષ્ટ્રના મઝગાંવ ગામમાં આ ઘટના બની છે,પોલીસનું કહેવું છે કે સંજય પાટીલે તેની પત્ની પલ્લવી સાથે કોઈ મુદ્દે ઝઘડો કર્યો હતો. થોડા જ સમયમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો. દરમિયાન ગુસ્સે ભરાયેલ સંજયે ઘરમાં પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને માત્ર સંજયનું ઘર જ નહીં પણ 10 પાડોશી ઘરોને પણ ઝપટમાં લીધું.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે સારી બાબત એ છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. લોકો સમયસર ઘરની બહાર નિકળી ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ પાડોશીઓએ સંજયને પકડી લીધો અને તેને ખૂબ ખરાબ રીતે માર્યો હતો અને પોલીસને સોંપ્યો. આરોપી સંજયની પોલીસે ધરપકડ કરી છે. બીજી બાજુ પલ્લવીએ સંજય વિરુદ્ધ મારામારી અને ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કર્યો છે.

(12:00 am IST)