Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કાલે વડાપ્રધાન મોદી કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે

શ્રીલંકાના કોલંબોથી 100 થી વધુ બૌદ્ધ સાધુઓ અને મહાનુભાવોનું શ્રીલંકાનું પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચશે

નવી દિલ્હી :  વિશ્વભરના બૌદ્ધ યાત્રાધામોને જોડવાના પ્રયાસના ભાગરૂપે વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશમાં બનેલા કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વડપ્રધાન કાર્યાલય (PMO)એ કહ્યું કે વડાપ્રધાન કુશીનગર મહાપરિનિર્વાણ મંદિરમાં ‘અભિધમા દિવસ’ પર આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ત્યારબાદ તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવા માટે જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

કુશીનગર આંતર રાષ્ટ્રીય બૌદ્ધ યાત્રાધામ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીલંકાના કોલંબોથી 100 થી વધુ બૌદ્ધ સાધુઓ અને મહાનુભાવોનું શ્રીલંકાનું પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચશે. જેમાં 12 સભ્યોની પવિત્ર અવશેષ ટીમ પ્રદર્શન માટે ભગવાન બુદ્ધના અવશેષો લાવશે

 

પ્રતિનિધિમંડળમાં શ્રીલંકા, અસગિરિયા, અમરાપુરા, રમણ્ય અને માલવત્તામાં બૌદ્ધ ધર્મની ચારેય નિકાતના અનુનાયકો પણ સામેલ થશે. આ સાથે શ્રીલંકા સરકારના કેબિનેટ મંત્રી નમલ રાજપક્ષેના નેતૃત્વમાં શ્રીલંકાની સરકારના પાંચ મંત્રીઓ પણ તેનો ભાગ બનશે.
PMOએ કહ્યું કે આકુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંદાજે 260 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓ માટે ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની મુલાકાત લેવાનું અનુકૂળ બનાવશે. આ એરપોર્ટનું નિર્માણ વિશ્વને આ બૌદ્ધ તીર્થસ્થળ સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ઉત્તરપ્રદેશ અને બિહારના નજીકના જિલ્લાઓ માટે ફાયદાકારક રહેશે અને આ ક્ષેત્રમાં રોકાણ અને રોજગારીની તકો વધારવાની દિશામાં પણ એક મહત્વનું પગલું છે.

વડાપ્રધાન મોદીએ બાદમાં ટ્વિટ કર્યું હતું કે, “આવતીકાલ અમારા માળખાગત અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે ખાસ દિવસ છે. કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને પ્રથમ ફ્લાઇટ શ્રીલંકાના કોલંબોથી આવશે, તેના મુસાફરોમાં બૌદ્ધ સાધુઓનું જૂથ છે. આ એરપોર્ટથી ઉત્તરપ્રદેશ અને બિહારને ફાયદો થશે.

(12:42 am IST)