Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કોંગ્રેસને મોટો ઝટકો : પ્રિયંકા ગાંધીના સલાહકાર હરેન્દ્ર મલિકે પાર્ટી સભ્યપદ અને અને તમામ પદો પરથી રાજીનામું આપ્યું

પ્રિયંકા ગાંધીને મિશન 2022, માટે ‘લડકી હૂં લડ શકતી હૂં’, નવું સૂત્ર આપ્યાના થોડા કલાકો બાદ જ યુપીમાં મોટો ઝટકો :પૂર્વ ધારાસભ્ય પંકજ મલિકે પણ પાર્ટી છોડી

નવી દિલ્હી :  પ્રિયંકા ગાંધીને મિશન 2022, માટે ‘લડકી હૂં લડ શકતી હૂં’, પોતાનું નવું સૂત્ર આપ્યાના થોડા કલાકો બાદ જ યુપીમાં મોટો ઝટકો લાગ્યો છે. પ્રિયંકા ગાંધીના સલાહકાર હરેન્દ્ર મલિકે પાર્ટી સભ્યપદ અને તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. હરેન્દ્ર મલિકની સાથે પૂર્વ ધારાસભ્ય પંકજ મલિકે પણ પાર્ટી છોડી દીધી છે. પંકજ આ સમયે યુપી કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ હતા. હાલમાં બંને નેતાઓએ પાર્ટી છોડવાનું કારણ આપ્યું નથી.

હરેન્દ્ર મલિકે કહ્યું કે અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સભ્ય તરીકે કામ કરતા હતા. AICC કાર્યકારી સમિતિના સભ્ય ઉપરાંત પ્રિયંકા ગાંધી સલાહકાર સમિતિના સભ્ય, ચૂંટણી પ્રચાર સમિતિના સભ્ય પણ હતા. મેં પ્રિયંકા ગાંધીને તમામ પદ પરથી તેમ જ કોંગ્રેસ સભ્યપદેથી મારું રાજીનામું મોકલી દીધું છે.

પાર્ટી છોડવાના કારણો પર હરેન્દ્ર મલિકે કહ્યું કે તેઓ 18 વર્ષ સુધી કોંગ્રેસમાં હતા. હું રાજકીય માણસ છું અને ભવિષ્યમાં પણ રાજનીતિ કરવાનું ચાલુ રાખીશ. હરેન્દ્ર મલિકે આગામી પગલું ટૂંક સમયમાં જાહેર કરવાની વાત પણ કરી હતી. એક સવાલના જવાબમાં હરેન્દ્ર મલિકે કહ્યું કે ભાજપમાં જોડાવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અમારી વિચારધારા અને ભાજપની વિચારધારા સંપૂર્ણપણે અલગ છે.

બીજી તરફ, પંકજ મલિકે પ્રિયંકા ગાંધીને આપેલા રાજીનામા પત્રમાં લખ્યું છે કે હું AICC UP ના ઉપપ્રમુખ અને પાર્ટી દ્વારા આપવામાં આવેલી અન્ય તમામ જવાબદારીઓથી રાજીનામું આપું છું. આ સાથે, હું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી પણ રાજીનામું આપું છું. કોંગ્રેસના ધારાસભ્ય ઉપરાંત પંકજ મલિક વિધાનસભાના પૂર્વ નાયબ નેતા પણ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે મિશન 2022 માટે માસ્ટર સ્ટ્રોક મુકતી વખતે પ્રિયંકાએ મંગળવારે જ એક નવું સૂત્ર આપ્યું હતું. લડકી હૂં લડ શકતી હૂં નું સૂત્ર આપતાં તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, આજે જ મળેલા રાજીનામાના કારણે પાર્ટીની આશાઓને આંચકો લાગ્યો છે.

(12:00 am IST)