Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દિવાળીના તહેવાર પર મોંઘવારીનો મારઃ ટામેટા બાદ હવે રડાવી શકે છે ડુંગળી, એક મહિનામાં ભાવ બમણા

દેશના ઘણા ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન

નવી દિલ્હી :  દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં જે પ્રકારે ભાવનો વધારો થઇ રહ્યો છે. તેના પગલે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. શાકભાજી, દૂધ, કઠોળ સહિત તેલના ભાવો આસમાને પહોંચી જતાં ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઇ ગયા છે. ત્યારે હવે તહેવારો પર ડુંગળીના ભાવ પણ રડાવવાની તૈયારી કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ બમણા થયા છે. વેપારીઓનું કહેવું છે કે, આ વખતે તહેવારોની સિઝનમાં ડુંગળી મોંઘી રહેશે.

દેશના ઘણા ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે, આ પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. રવિવારે રાજકોટમાં એક કિલો ટામેટાનો ભાવ રૂ.100 બોલાયો હતો. જ્યારે યાર્ડમાં આ ટામેટાનો ભાવ રૂ.70 થી 80 લેખે હરાજીમાં બોલાયો હતો.

સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર લાસલગાંવમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ એક મહિનામાં જ બમણો થઈને 33,400 રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. મુંબઈમાં ડુંગળીની છૂટક કિંમત પણ 50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, આ વખતે સપ્ટેમ્બર મહિનામાં ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. તેના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. દેશમાં ડુંગળી ઉત્પાદક મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા 268 ટકા વધુ વરસાદ થયો છે.

વેપારીઓનું કહેવું છે કે, આ વખતે તહેવારોની સિઝનમાં ડુંગળી મોંઘી રહેશે અને મધ્ય જાન્યુઆરી પહેલા રાહતની અપેક્ષા નથી. જાન્યુઆરીમાં નવો પાક આવશે.

(1:12 pm IST)