Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

તમે જવાબદારીથી ભાગી રહ્યા છો : ૪૪માંથી ૪ ગવાહોના જ નિવેદન કેમ નોંધાયા ?

લખીમપુર હિંસા મામલે યુપી સરકારની સુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢી : ૨૬ ઓકટોબર સુધી સુનાવણી ટળી

નવી દિલ્હી તા. ૨૦ : અમને લાગે છે કે તમે તમારી જવાબદારી ભાગી રહ્યા છો. એવું ન કરો. સુપ્રીમ કોર્ટે બુધવારે લખીમપુર કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારને ઠપકો આપતા આ વાત કહી હતી. આ સાથે કોર્ટે યુપી સરકારને આ કેસમાં બાકીના સાક્ષીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેણે કુલ ૪૪ સાક્ષીઓમાંથી ૪ ના નિવેદન નોંધ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે યુપી સરકારે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટ અંગે આ કહ્યું. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત યુપી સરકારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠને કહ્યું કે અન્ય સાક્ષીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. યુપી સરકારે સાક્ષીઓના નિવેદનો જાહેર કરવા માટે સમય માંગ્યા બાદ કોર્ટે કાર્યવાહી સ્થગિત કરી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલાની આગામી સુનાવણી ૨૬ ઓકટોબરે કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે વકીલોએ આ મામલે અરજી દાખલ કરી અને ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કર્યા બાદ કોર્ટે સુનાવણી શરૂ કરી હતી. ૩ ઓકટોબરના રોજ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં એક એસયુવી દ્વારા આંદોલનકારી ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં વધુ ૪ લોકોના મોત થયા હતા. જેમાં સ્થાનિક પત્રકાર રમણ કશ્યપ અને ભાજપના ત્રણ કાર્યકરોનો સમાવેશ થાય છે. આ બાબતે એટલી રાજકીય ઉગ્રતા પકડી કે ઘણા દિવસો સુધી રાજય સરકારે લખીમપુર ખેરીમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો હતો. જો કે, બાદમાં અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના ઘણા નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા હતા જેથી તેઓ પરેશાન ખેડૂતોને મળી શકે.

(3:17 pm IST)