Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ટાટા ગ્રુપે ઍર ઇન્ડિયાને ખરીદી તો લીધી પરંતુ મોટા રોકાણ સાથે અનેક મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશેઃ લાંબી અને જટીલ પ્રક્રિયામાંથી પાર થવુ પડશે

ઍક પ્રભાવશાળી લીડરની ખોટ સહિતની અસંખ્ય સમસ્યાઅોનો નિકાલ કરવામાં મુશ્કેલી સર્જાશે

નવી દિલ્હી. ટાટા સન્સે 2.4 અબજ ડોલર એટલે કે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવીને દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન કંપની એર ઇન્ડિયા (Air India)ને ખરીદી લીધી છે. ટાટાએ એર ઇન્ડિયાને ઉડાડવાની યોજના પણ બનાવી લીધી છે પરંતુ ટાટા માટે ફરી આ ઉડાન એટલી સરળ નહીં હોય. એક તરફ ટાટાને એર ઇન્ડિયાના કિંમતી flying rights અને landing slots મળશે, જે એને વિદેશી માર્કેટ શેર મેળવવામાં ઘણું મદદરૂપ બનશે. તો બીજી તરફ એર ઇન્ડિયા સાથે ઘણી મુશ્કેલીઓ અને પડકારો પણ મફતમાં મળશે.

ઉડ્ડયન ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે એર ઇન્ડિયાની ફરીથી સફળ હવાઈ યાત્રા એક લાંબી અને જટિલ પ્રક્રિયા રહેશે. એરલાઈન્સને વધુ સારી બનાવવા માટે એક અબજ ડોલર એટલે કે 7000 કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત, તેનો ખરાબ થઈ ચૂકેલો કાફલો, ખરાબ સેવા અને એક પ્રભાવશાળી લીડરની ખોટ સહિતની અસંખ્ય સમસ્યાઓનો નિકાલ કરવામાં પણ મોટા પડકાર રહેલા છે.

મોટું રોકાણ, મોટો પડકાર

એક રિપોર્ટ મુજબ, દીપમના સચિવ તુહિનકાંતા પાંડેએ કહ્યું કે, તેમને એરલાઈનને સ્થિર કરવા માટે અસંખ્ય કામ કરવા પડશે. ઘણું બધું રોકાણ કરવું પડશે. અધિગ્રહણની પ્રક્રિયા માટે કન્સલ્ટન્સી કંપની પીડબલ્યુસી અને લિગલ કંપની એઝેડબી પાર્ટનર્સને નિયુક્ત કરવામાં આવ્યા છે. સંચાલનના એકીકરણ પર કોઈ નિર્ણય તરત નહીં લેવાય.

અટક્યા વિના ઉડાન ભરવાની ક્ષમતા

એર ઇન્ડિયાને સૌથી વધુ ફાયદો અમેરિકા અને યુરોપ જેવી જગ્યાઓ પર અટક્યા વિના ઉડાન ભરવાની ક્ષમતાથી મળે છે. આ જગ્યાઓ પર તેને આકર્ષક લેન્ડિંગ અધિકાર પ્રાપ્ત થયો છે. વિદેશી માર્કેટમાં ફક્ત એમિરેટ્સ અને એતિહાદ એરવેઝ (Emirates and Etihad Airways) જેવા દિગ્ગજો જ વન-સ્ટોપ વિકલ્પો સાથે એર ઇન્ડિયાથી સ્પર્ધા કરી શકે છે.

સ્પેરપાર્ટસ અને એન્જિનની મોટી સમસ્યા

એર ઇન્ડિયા પાસે 141 વિમાનોનો કાફલો છે, જે સંકીર્ણ અને પહોળી બોડી ધરાવતા એરબસ અને બોઇંગ વિમાનોનું મિશ્રણ છે. એરલાઈને એમાંથી ફક્ત 118ને ફ્લાઈટ માટે યોગ્ય સ્થિતિમાં ટાટાને સોંપવા પર સહમતિ આપી છે. એર ઇન્ડિયાને પણ 787 બોઇંગના સ્પેરપાર્ટ્સ અને એન્જિનની ભારે ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. એન્જિન ઉપલબ્ધ ન હોવાને કારણે ઓછામાં ઓછા પાંચ 787 બેકાર પડ્યા હતા. 2019માં જ્યારે એર ઇન્ડિયા બધા બોઇંગ 787 ડ્રીમલાઇનર્સને તૈનાત કરવા માગતી હતી, તેણે જનરલ ઇલેક્ટ્રિકથી લગભગ છ વિમાન એન્જિન પટ્ટા પર લીધા હતા.

પહોળા વિમાન પર વધુ રોકાણ કરવું પડશે

ટાટાને આમાં પહોળા વિમાન પર વધુ રોકાણ કરવું પડશે, કેમકે આંતરરાષ્ટ્રીય ઉડાન આના પર જ નિર્ભર હશે. જોકે, ગ્રુપે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તે એર ઇન્ડિયાને પોતાની વર્તમાન એરલાઈન્સ એર એશિયા ઇન્ડિયા અને વિસ્તારા સાથે કઈ રીતે એકીકૃત કરવા માગે છે.

કોરોના મહામારીએ કરી હાલત ખરાબ

મહામારીએ જેવું એરલાઈનને ફ્લાઈટ બંધ કરવા માટે મજબૂર કર્યું, પાટા પર આપવામાં આવેલા એન્જિન પાછા આપી દેવામાં આવ્યા. એન્જિનની જાળવણીનો કરાર કઠિન હોય છે. ટાટા સમૂહને એ સમજૂતી ફરી કરવી પડશે. ઓન-પોઈન્ટ સમાધાન પ્રત્યેક એરલાઈનના પરિચાલન અને નાણાંકીય જરૂરિયાતને અનુરૂપ સેવા સમજૂતી થાય છે. તેમાં ઓન-વિંગ સમર્થન, નવા અને ઉપયોગ કરવા યોગ્ય સ્પેરપાર્ટ્સ, સમારકામ અને ટેક્નોલોજીને અપગ્રેડ કરવું સામેલ છે.

ટાટા સન્સ પાસે ત્રણ એરલાઈન્સ

એર ઇન્ડિયાના માલિક બન્યા બાદ હવે Tata Sons પાસે ત્રણ એરલાઈન્સ હશે. સમૂહ પાસે પહેલાંથી જ Vistara અને AirAsiaમાં ભાગીદારી છે. આ સાથે ટાટા સન્સ એવિએશન સેક્ટરની સૌથી મોટી કંપની હશે. Air India સાથે Tata Sonsને તેમની સબસિડીયરી Air India Expressનો પણ માલિકીનો હક મળશે. Air India Express સસ્તી હવાઈ સેવાઓ આપે છે.

Tataથી જોડાયેલો છે Air Indiaનો ઇતિહાસ

Air Indiaની શરૂઆત 1932માં ટાટા ગ્રુપે જ કરી હતી. જે.આર.ડી. ટાટા (JRD Tata) જે પોતે એક કુશળ પાયલટ હતા, તેમણે Tata Airlinesના રૂપમાં આ શરુ કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ બાદ ભારતમાં સામાન્ય હવાઈ સેવાની શરૂઆત થઈ અને ત્યારે Air Indiaને સાર્વજનિક ક્ષેત્રની કંપની બનાવી નાખવામાં આવી. વર્ષ 1947માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રીય એરલાઈન્સની જરૂરિયાત અનુભવાઈ અને ભારત સરકારે Air Indiaમાં 49% ભાગીદારી મેળવી લીધી.

ત્યારબાદ 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને સરકારે Tata Groupને આ કંપનીમાં બહુમત ભાગીદારીથી ખરીદી લીધી. આ રીતે Air India સંપૂર્ણપણે એક સરકારી કંપની બની ગઈ.

(5:01 pm IST)