Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સ્પેનમાં વેશ્યાવૃત્તિને અપરાધ ઘોષિત કરવા સાંચેજનો સંકલ્પ

૧૯૯૫માં વેશ્યાવૃત્તિને અપરાધના ક્ષેત્રથી બહાર કરાઈ હતી : સંયુક્ત રાષ્ટ્રે સ્પેનને વેશ્યાવૃત્તિનું મોટું કેન્દ્ર માન્યુ હતું

મેડ્રીડ, તા.૨૦ : સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે રવિવારે દેશમાં વેશ્યાવૃત્તિને અપરાધ ઘોષિત કરવાનો સંકલ્પ લીધો હતો. તેમણે વેલેંસિયા ખાતે પોતાની સત્તારૂઢ સોશિયલિસ્ટ વર્કર્સ પાર્ટીના ૩ દિવસીય સંમેલનમાં સંબોધન દરમિયાન વેશ્યાવૃત્તિ પર રોક લગાવવાના શપથ લીધા હતા. સાંચેજે જણાવ્યું કે, આ એક એવી પ્રથા છે જે મહિલાઓને ગુલામ બનાવે છે અને મહિલાઓ વિરૂદ્ધની હિંસાનું સૌથી ખરાબ સ્વરૂપ છે.

આરબોનો કારોબારઃ ૧૯૯૫માં સ્પેનમાં વેશ્યાવૃત્તિને અપરાધના ક્ષેત્રમાંથી બહાર કરી દેવામાં આવી હતી. ૨૦૧૬માં સંયુક્ત રાષ્ટ્રના અનુમાન પ્રમાણે દેશમાં વેશ્યાવૃત્તિનો કારોબાર ૪.૨ બિલિયન ડોલર એટલે આશરે ૪.૨ અબજ ડોલર કરતા પણ વધારેનો હતો. વર્ષ ૨૦૦૯ના એક સર્વે રિપોર્ટ પ્રમાણે સ્પેનમાં દર ત્રીજી વ્યક્તિ સેક્સ માટે કિંમત ચુકવે છે. જોકે ૨૦૦૯માં જ પ્રકાશિત થયેલા અન્ય એક રિપોર્ટ પ્રમાણે આ આંકડો ૩૯ ટકા જેટલો વધુ હોઈ શકે છે. વર્ષ ૨૦૧૧માં સંયુક્ત રાષ્ટ્રએ સ્પેનને વેશ્યાવૃત્તિનું વિશ્વનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર માન્યુ હતું. આ મામલે સ્પેનથી આગળ ફક્ત થાઈલેન્ડ અને પુર્તો રિકો જ હતા.

૩ લાખ મહિલાઓ વેશ્યાવૃત્તિના કાદવમાં: સ્પેનમાં પૈસાના બદલામાં સેક્સ સર્વિસ મેળવનારા લોકો માટે કોઈ સજા નથી નક્કી કરવામાં આવી જ્યાં સુધી આવું કોઈ સાર્વજનિક સ્થળે ન કરવામાં આવ્યું હોય. જોકે દેશમાં વેશ્યાવૃત્તિમાં દલાલી કે કોઈ સેક્સ વર્કર અને ક્લાયન્ટ વચ્ચે પ્રતિનિધિ તરીકે કામ કરવાનું ગેરકાયદેસર છે. દેશમાં વેશ્યાવૃત્તિ કાયદેસર જાહેર કરવામાં આવી ત્યાર બાદ આ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી છે. સ્પેનમાં આશરે ૩ લાખ મહિલાઓ વેશ્યાવૃત્તિના કારોબારમાં સંલિપ્ત છે.  ૨૦૧૯માં સ્પેનની પોલીસે ૮૯૬ મહિલાઓને વેશ્યાવૃત્તિના કાદવમાંથી મુક્ત કરાવી હતી. રિપોર્ટ પ્રમાણે યૌનકર્મી તરીકે કામ કરતી તેમાંથી ૮૦ ટકા મહિલાઓ માફિયાઓની ચુંગાલમાં હતી. યૌન શોષણ રોકવા માટે અભિયાન ચલાવતી એપીઆરએએમપીનામની એક સંસ્થાના કહેવા પ્રમાણે વેશ્યાવૃત્તિ મહિલાઓની યૌન સ્વતંત્રતાની અભિવ્યક્તિ નથી. તેની બાધ્યતા હિંસા, અધિકારોના હનન, આર્થિક પડકાર અને લૈંગિકવાદી પિતૃસત્તાત્મક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે.

 

(7:32 pm IST)