Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ફ્લાઈટમાં અભિનેત્રીની સાથે છેડછાડ બદલ વેપારીની ધરપકડ

ત્રણ ઓક્ટોબરે બનેલી ઘટનામાં પોલીસની કાર્યવાહી : ઓવરહેડ સ્ટોરેજ ખોલવા ઉભી થઈ તે સમયે કોઈએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હોવાની અભિનેત્રીની ફરિયાદ

નવી દિલ્હી, તા.૨૦ : દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં એક અભિનેત્રી સાથે છેડછાડ કરવાના આરોપસર ગાઝિયાબાદના એક બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. ૪૦ વર્ષીય અભિનેત્રીએ પોલીસ ફરિયાદમાં લગાવેલા આરોપ પ્રમાણે ૩ ઓક્ટોબરના રોજ તે દિલ્હીથી મુંબઈની મુસાફરી કરી રહી હતી તે સમયે તેના સાથે છેડતીની ઘટના બની હતી.

અભિનેત્રીના કહેવા પ્રમાણે વિમાને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ટર્મિનલ પર લેન્ડ કર્યું અને તે બેગ કાઢવા માટે ઓવરહેડ સ્ટોરેજ ખોલવા ઉભી થઈ તે સમયે કોઈએ તેને ખોટી રીતે સ્પશ્ કર્યો હોવાનો અનુભવ થયો હતો. અભિનેત્રીએ આ અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરીને કેબિન ક્રૂ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

કેબિન ક્રૂએ અભિનેત્રીને મેઈલ દ્વારા ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રીએ વર્સોવા થાણામાં જઈને આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવા પ્રયત્ન કર્યો હતો જ્યાંથી તેને એરપોર્ટ સ્ટેશન જવા કહેવામાં આવ્યું હતું. અભિનેત્રીની નારાજગી જોઈને આરોપીએ તેમની માફી પણ માગી હતી અને કેબિન ક્રૂ દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે.

પ્લેનના ક્રૂએ અભિનેત્રીએ મેઈલ દ્વારા નોંધાવેલી ફરિયાદની કોપી સહર એરપોર્ટ પોલીસ સ્ટેશન મોકલી દીધી હતી અને તપાસ દરમિયાન પોલીસે નીતિન નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ સોમવારે આરોપીની ધરપકડ કરીને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ૩ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ ક્રૂ મેમ્બરનું ધ્યાન ભટકાવવા માટે પોતાના નામનું ખોટું ઉચ્ચારણ કર્યું હતું, તેણે પહેલા પોતાનું નામ રાજીવ જણાવ્યું હતું. શરૂઆતમાં પોલીસે રાજીવ નામના વ્યક્તિને શોધ્યો હતો અને બાદમાં શંકા જતા એરલાઈન્સે તમામ મુસાફરોનો રેકોર્ડ તપાસ્યો હતો. પોલીસે અભિનેત્રીને નીતિનની તસવીર મોકલીને પૃષ્ટિ થયા બાદ નીતિનને ૧૪ ઓક્ટોબરના રોજ પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી ગાઝિયાબાદનો મોટો કારોબારી છે અને મુંબઈ આવતો-જતો રહે છે તેવું જાણવા મળ્યું હતું.

(8:56 pm IST)