Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

મિઝોરમના એક ગામના બધાને કોરોના, માત્ર એક વ્યક્તિ બચી

વધતા કોરોના સંક્રમણની વચ્ચે આશ્ચર્યજનક સમાચાર : ગામના ૪૨ લોકોને એક સાથે કોરોના થયો પણ બાવન વર્ષની વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવતા લોકોમાં આશ્ચર્ય

ઐઝવાલ, તા. ૧૯ : એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ગામ એવું છે જ્યાં એક વ્યક્તિને છોડીને આખા ગામને કોરોના થઈ ગયો છે. આ ગામમાં ૪૨ લોકોને એક સાથે કોરોના થઈ ગયો છે, જે એક વ્યક્તિ કોરોના સંક્રમિત નથી થયા તેમના પરિવારના જ ૬ સભ્યોને કોરોના થઈ ગયો છે. આ ગામના માત્ર એક વ્યક્તિ છે જેમનું કોરોના કશું બગાડી શક્યો નથી. આખા ગામમાં કોરોના પ્રસરી ગયો હોવા છતાં એક વ્યક્તિ કોરોના મુક્ત રહી જતી ઘટના વિશે જાણીને લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે.

 રિપોર્ટ્સ મુજબ મિઝોરમના થોરંગ ગામમાં આ બનાવ બન્યો છે જ્યાં ૪૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે માત્ર એક જ વ્યક્તિ છે કે જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેઓ ૫૨ વર્ષના ભૂષણ ઠાકુર નામના વ્યક્તિ છે, તેમના જ પરિવારના સભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે ભૂષણની ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત છે. ગામના તમામ લોકોને કોરોના થઈ ગયો હોવા છતાં એક વ્યક્તિ કોરાનાથી અગળી રહી જતા લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ગામમાં સૌથી પહેલા ૫ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી હતી. આ પાંચ લોકોના સંપર્કમાં ગામના અન્ય લોકો પણ આવ્યા હોવાની શંકાના આધારે ગ્રામજનોએ બેઠક કરીને તમામનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું જેમાં એક ભૂષણને છોડીને આખું ગામ કોરોના પોઝિટિવ આવ્યું હતું.

જોકે, આ ગામમાં ૧૦૦ જેટલા લોકો રહે છે પરંતુ ભારે હિમવર્ષાના કારણે કેટલાક ઘણાં ગ્રામજનો કુલ્લુ ગયા છે. ભુષણે આ રિપોર્ટ્સમાં જણાવે છે કે, તેઓ પોતે એક અલગ રુમમાં રહે છે અને પોતાનું જમવાનું જાતે બનાવીને ખાય છે. પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ભૂષણને પોતાને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. કારણ કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યાં સુધી તેઓ પરિવારની સાથે જ હતા. તેઓ જણાવે છે કે પોતે શરુઆતથી જ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરતા હતા.

(12:00 am IST)