Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

લોન મોરેટોરિયમ કેસ : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં લાભ નહીં :સુપ્રિમકોર્ટની ટીપણી

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર લોકોએ લોન લીધી નથી, પરંતુ તેનાથી ખરીદી કરી રહ્યા છે

નવી દિલ્હી :  લોન મોરેટોરિયમ કેસના સંદર્ભમાં સુપ્રીમકોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં લાભ  ન મળવો જોઈએ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર લોકોએ કોઈ લોન લીધી નથી, પરંતુ તેનાથી ખરીદી કરી રહ્યા છે.

કેન્દ્રએ કોરોના દરમિયાન લોન મોરેટોરિયમ કમ્પાઉન્ડ પર વ્યાજની ભરપાઈનો દાવો કર્યો છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓને ક્રેડિટ કાર્ડ પર એક્સ ગ્રેશિયા મળ્યો છે. આ વાત પર કોર્ટે ક્રેડિટ કાર્ડ પર ટિપ્પણી કરી છે.

સુનાવણી દરમિયાન મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટને પરત કરવાની બેન્કની જવાબદારી છે. લોન લેનારે બેન્કના ચક્કર નહીં લગાવવા પડે. મહેતાએ કહ્યું કે અમે એ નિર્ણય લીધો છે કે જેઓએ મોરેટોરિયમ દરમિયાન EMI ભર્યા છે તેઓને સજા નહીં મળે. મોરેટોરિયમનો લાભ લેનાર અને ન લેનાર બન્નેને ફાયદો થશે.

આ પહેલા 2 ઓક્ટોબરના રોજ નાણા મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમા કેન્દ્ર સરકાર તરફથી જાણકારી આપવામાં આવી હતી કે સરકાર 2 કરોડ રૂપિયા સુધીની લોનના EMI પર વસૂલવામાં આવેલા કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ ચૂકવશે.

આજે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ કોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમા કહેવાયું હતું કે બેન્કો વ્યાજ માફી કરશે તો તેઓની બેલેન્સ શીટ ઉપર ખરાબ અસર થશે. જેનાથી બેન્કોના ડિપોઝિટર્સ પણ પ્રભાવિત થશે. RBI કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે 4 સપ્ટેમ્બરથી EMI ન ચૂકવનારને ડિફોલ્ટરના લિસ્ટમાં ન મૂકવાનો નિર્ણય કર્યો હતો, તેને તાત્કાલિક ખતમ કરવો જોઈએ

(8:43 am IST)