Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબનો આજે ૧૫૧મો ઉપવાસ

મહારાજસાહેબે કોરોનાની પીડામાંથી દુનિયાને મુકત કરાવવાનો સંકલ્પ લીધો

મુંબઇ, તા.૨૦: મુંબઈના કાંદિવલીમાં બિરાજમાન જૈનાચાર્ય વિજયભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના ૫૪ વર્ષના જૈનાચાર્ય પરમ પૂજય વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ છેલ્લા ૧૫૦ દિવસથી ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. તેઓ ૧૮૦ ઉપવાસની ઉગ્ર સાધના કરી રહ્યા છે. આ ઉપવાસની તપશ્ચર્યા કરવા પાછળ તેમનો સંકલ્પ સમગ્ર જગતના જીવોને કોરોનાની અને લોકડાઉનની પીડામાંથી મુકત કરવાનો છે. તેમના ૧૮૦ ઉપવાસનું પારણું ૨૦ ડિસેમ્બરે આવશે.

આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આ અગાઉ ત્રણ વખત ૧૮૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી ચૂકયા છે. અત્યારે તેઓ ચોથી વખત ૧૮૦ ઉપવાસની ઉગ્ર સાધના કરી રહ્યા છે. તેમનો આજે ૧૫૧મો ઉપવાસ છે.

આ જૈનાચાર્યની સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ જૈનાચાર્ય દર ૧૬મા દિવસે બોરીવલીના મંડપેશ્વર જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ, બોરીવલીના ગીતાંજલિ નગરમાં બિરાજમાન આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને બોરીવલીના રોયલ કોમ્પ્લેકસમાં બિરાજમાન વિજયવરબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ પાસે પગપાળા વિહાર કરીને બીજા ૧૬ ઉપવાસનાં પચ્ચકખાણ ગ્રહણ કરવા જાય છે.

(9:48 am IST)