Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કાળાબજારના ખેલમાં મોંઘુ થયુ ખાદ્યતેલ

છેલ્લા ૧ વર્ષમાં તમામ તેલના ભાવમાં આકરો ભાવ વધારો આવ્યોઃ ગૃહિણીઓનો મરો

નવી દિલ્હી, તા. ૨૦ :. શાકભાજી અને અનાજ બાદ ખાદ્યતેલના ભાવ એકધારા વધી રહ્યા છે. છેલ્લા ૨ મહિનામાં સરસવના તેલમાં ૪૪, સોયા ઓઈલમાં ૪૦, પામ ઓઈલમાં ૨૫ અને વનસ્પતિ ઓઈલમાં ૨૦ રૂ.નો વધારો થયો છે. કાળાબજારના ખેલમાં તેલમાં તેજી જોવા મળી રહી છે. હજુ પણ ભાવ વધવાના સંકેતો મળે છે. જો કે મલેશીયા, વિયેટનામથી રીફાઈન્ડ અને પામ ઓઈલની આવક શરૂ થઈ છે. જો કે તહેવારોમાં ડીમાન્ડ વધતા મોટા વેપારીઓએ તેલને ડમ્પ કરવાનું શરૂ કર્યુ જેના કારણે ભાવ વધ્યા. રીફાઈન્ડ અને સરસવ તેલ મોંઘુ થવાથી ગૃહણીઓની બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. સીંગતેલના ભાવમાં પણ એકધારો વધારો જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવ વધારા અંગે કેન્દ્ર સરકાર ચિંતીત થઈ છે અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પ્રધાનોના જુથને એક પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યુ હતું. જેમા જણાવાયુ હતુ કે ડુંગળીના ભાવ ઘટવા લાગ્યા છેે કારણ કે ૩૦ હજાર ટનની આયાત કરવામાં આવી છે, જ્યારે બટેટાના ભાવો સ્થિર થયા છે પરંતુ ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશભરમાં ભરપૂર પાક છતા ખાદ્યતેલના ભાવ વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલેશિયામાં છેલ્લા ૬ મહિના દરમિયાન પામ ઓઈલનું ઉત્પાદન ઘટતા ઘરઆંગણે ખાદ્યતેલ મોંઘુ થયુ છે. અત્રે નોંધનીય છે કે પ્રોસેસ્ડ ફુડ ઈન્ડસ્ટ્રી ૭૦ ટકા જેટલા પામ ઓઈલનો વપરાશ કરે છે. હવે સરકાર ઉપર નિર્ભર છે કે પામ ઓઈલ પરની ડયુટી ઘટાડવી કે નહિ ? કારણ કે પામ ઓઈલના ભાવની સીધી અસર ખાદ્ય તેલના ભાવ પર પડતી હોય છે.

મુડીપતિઓની મનમાની અને કાળાબજારને કારણે આ બજારમાં અસ્થિરતા છે. પાક ભરપૂર છતા સરસવના તેલના ભાવમાં સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન ૫૦ રૂ.ની તેજી આવી છે. આ જ સ્થિતિ રીફાઈન્ડ અને પામ ઓઈલની છે.

(10:03 am IST)