Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સેન્સેક્સમાં ૨૮૨, નિફ્ટીમાં ૮૭ પોઈન્ટનો ઊછાળો

વિદેશી રોકાણકારો દ્વારા સતત રોકાણથી બજાર સુધર્યું : ટાઇટન, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, એરટેલ, નેસ્લે ઈન્ડિયા અને એનટીપીસીના શેરના ભાવમાં વૃદ્ધિ જોવાઈ

મુંબઈ, તા. ૨૦ : વિદેશી રોકાણકારો દ્વારા સતત રોકાણ અને વૈશ્વિક બજારોમાં તેજીની વચ્ચે એચડીએફસી બેંકના શેરના ભાવ પણ  વધ્યા હતા. બીએસઈ ૩૦ સેન્સેક્સ ૨૮૨.૨૯ પોઈન્ટ એટલે કે ૦.૬૫ ટકા વધીને ૪૩,૮૮૨.૨૫ પર બંધ રહ્યો છે. એ જ રીતે એનએસઈનો નિફ્ટી  ૮૭.૩૫ પોઇન્ટ એટલે કે ૦.૬૮ ટકા વધીને ૧૨,૮૫૯.૦૫ પર પહોંચી ગયો છે. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વમાં નવ ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. આ ઉપરાંત ટાઇટન, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા અને એનટીપીસીના શેરના ભાવમાં વૃધ્ધિ જોવાઈ હતી. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઇન્ડ બેક્ન, સન ફાર્મા, એક્સિસ બેંક, ઓએનજીસી અને એચયુએલના શેર ઘટયા હતા.

કોટક સિક્યુરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (પીસીજી રિસર્ચ) સંજીવ ઝરબેડે જણાવ્યું હતું કે, દિવાળીના સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ એક ટકાની મજબૂતીમાં રહ્યો હતો. ત્રિમાસિક પરિણામ સત્રના અંત સાથે, રોકાણકારોનું ધ્યાન હવે આર્થિક પુન પ્રાપ્તિ અને બજાર મૂલ્યાંકન પર રહેશે. તેમણે કહ્યું કે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થવાને કારણે ભારતમાં ચેપનું જોખમ ફરી વધી રહ્યું છે.

એશિયન બજારોમાં, ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનું હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાનું કોસ્પી તેજીમાં રહ્યું છે. જાપાનનું નિક્કી ગિરાવટમાં રહ્યું. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો આગળ હતા. પ્રારંભિક માહિતી અનુસાર, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ (એફપીઆઈ) ગુરુવારે ૧,૧૮૦.૬૧ કરોડના શેર ખરીદ્યા છે.

શુક્રવારે વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદી અને સ્થાનિક બજારોમાં વધારાના પગલે રૂપિયામાં તેજી રહી હતી. પ્રારંભિક ડેટા મુજબ રૂપિયો ૭૪.૧૫ ની મજબૂતીમાં ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તે ૭૪.૦૯ થી ૭૪.૨૧ ડોલર દીઠની વચ્ચે ઉપર નીચે થયા બાદ તે પાછલા દિવસ કરતા ૧૧ પૈસા વધીને ૭૪.૧૬ પ્રતિ ડોલરની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે બંધ સમયે વિનિમય દર ડોલર દીઠ ૭૪.૨૭ હતો.

રેલિગેર બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ (ધાતુઓ, ઊર્જા અને ચલણ સંશોધન) સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, શેર બજારોમાં લેવાલીથી રૂપિયો હાલમાં સારો ટેકો મળી રહ્યો છે. તે પણ એક તથ્ય છે કે વૈશ્વિક સ્તરે ડોલર દબાણ હેઠળ છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં રૂપિયો ડોલર દીઠ ૭૩.૮૦  પર પહોંચવાની ધારણા છે. તેમણે કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં રૂપિયો ડોલર દીઠ ૭૩.૮૦ થી ૭૫ ની રેન્જમાં હશે. દરમિયાન, છ મોટી મુદ્રાઓની બાસ્કેટમાં ડોલર ઇન્ડેક્સ ૦.૦૮ ટકા વધીને ૯૨.૩૬ ના સ્તરે હતો. ક્રૂડ ઓઇલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૪૧ ટકા વધીને ૪૪.૩૮ ડોલર પ્રતિ બેરલ દીઠ પર પહોંચી ગયો છે.

(7:24 pm IST)