Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અલકાયદાના ચીફ જવાહિરીનું અસ્થમાની બિમારીથી મોત થયું

વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠનને ફટકો : અરબ ન્યૂઝે અલકાયદાના એક ટ્રાન્સલેટરને ટાંકીને ગત અઠવાડિયે આતંકીઓના આકાનું મોત થયાનો દાવો કર્યો

કાબુલ, તા. ૨૦  : દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન અલકાયદાના ચીફ અયમાન-અલ-જવાહિરીનું અફઘાનિસ્તાનમાં મોત થઈ ગયું છે. એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ વાત જણાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું છે. જવાહિરી છેલ્લે ૯/૧૧ના હુમલાની વર્ષગાંઠ પર જાહેર કરવામાં આવેલા એક વિડીયોમાં જોવા મળ્યો હતો. જોકે અરબ ન્યૂઝે જવાહિરીના મોતની પુષ્ટિ નથી કરી. અરબ ન્યૂઝે અલકાયદાના એક ટ્રાન્સલેટરને ટાંકીને દાવો કર્યો છે કે જવાહિરીનું ગત અઠવાડિયે મોત થયું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે જવાહિરીનું અસ્થમાથી મોત થઈ ગયું છે, કેમકે તેને સારવાર ના મળી શકી. રિપોર્ટમાં પાકિસ્તાનના એક સુરક્ષા અધિકારીને ટાંકીને પણ આ દાવો કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું છે કે તેમનું માનવું છે કે હવે જવાહિરી જીવતો નથી.

આ ઉપરાંત અલકાયાદાના નજીકના સૂત્રોના પ્રમાણે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ મહિને જવાહિરીનું મોત થઈ ગયું છે અને કેટલાક જ લોકો તેના જનાજામાં સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી અને અફઘાનિસ્તાનમાં તેનું મોત થઈ ગયું. અરબ ન્યૂઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સુરક્ષા સૂત્રોના હવાલેથી જવાહિરીના મરવાનો દાવો કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો જવાહિરીનું મોત થાય છે તો સંગઠનમાં નેતૃત્વને લઇને ઝઘડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓસામા બિન લાદેનના દીકરા હજ્મા બિન લાદેન અને અલકાયદાના શક્તિશાળી નેતા અબુ મોહમ્મદ અલ મસરીનું મોત થઈ ચુક્યું છે.

(12:00 am IST)