Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજકોટમાં કોરોનાનું તાંડવ : બપોર સુધીમાં ૩૫ કેસ : ૬ મૃત્યુ

આજ સુધીમાં કુલ ૧૦૦૫૪ કેસ સામે ૯૧૮૧ દર્દીઓ સાજા થયા : રિકવરી રેટ ૯૧.૬૩ ટકાએ પહોંચ્યો : પોઝિટિવિટી રેટ ૨.૪૭ ટકા : શહેરમાં આજની સ્થિતિએ ૪૬ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન : ૩૩૪૫૯ ઘરોનો સર્વે માત્ર ૫ ને જ શરદી - તાવના લક્ષણો : આજ સુધીમાં કુલ ૪૦૪૯૫૮ વ્યકિતઓના ટેસ્ટ થયા

રાજકોટ તા. ૨૧ : શહેરમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તંત્રએ કાબુ મેળવવા રાત્રી કર્ફયુ, ચા-પાનની દુકાનોને સીલ કરવા સહિતના કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે બપોર સુધીમાં નવા ૩૫ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૬ વ્યકિતઓના કોરોનાથી મૃત્યુ થયાનું સત્તાવાર જાહેર થયું છે.

મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી આજ સુધીમાં કુલ ૧૦૦૫૪ કેસ થયા છે તેની સામે ૯૧૮૧ વ્યકિતઓ સાજા થયા છે. આથી રિકવરી રેટ ૯૧.૬૩ જેટલો થઇ ગયો છે. જો કે પોઝિટિવિટી રેટ ૨.૪૭ ટકા જેટલો યથાવત છે. દરમિયાન રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૬ વ્યકિતઓના કોરોનાને કારણે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે.

આજની સ્થિતિએ રાજકોટ શહેરમાં ૪૬ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, સાધના સોસાયટી, ગાર્ડન સીટી, સાધુ વાસવાણી રોડ, પંચનાથ પ્લોટ, યોગી પાર્ક કાલાવડ રોડ, રણછોડનગર, સંત કબીર રોડ, મોચી બજાર તથા પેડક રોડ, રત્નદીપ સોસાયટી અને નાનામૌવા રોડ, દિવ્યરાજ પાર્ક વગેરે વિસ્તારોમાં કાર્યરત હોવાનું જાહેર થયું છે. આજે કુલ ૩૩૪૫૯ ઘરોમાં સર્વે થયો હતો. જેમાં શરદી - તાવ વાળા માત્ર ૫ લોકો જ મળ્યા હતા.

(2:51 pm IST)