Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

૧૦૦૦૦ વેક્સિનનો ઓર્ડર આપનારી હોસ્પિટલ ગાયબ

મધ્યપ્રદેશના જબલપુરની વિચિત્ર ઘટના : જબલપુરની મેક્સ હેલ્થ કેર નામની હોસ્પિ.ની સ્ટોરેજની ક્ષમતા ચેક કરવા આરોગ્યની ટીમ પહોંચતા ભાંડો ફૂટ્યો

જબલપુર, તા. ૯ : મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી એક વિચિત્ર ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. આરોગ્ય વિભાગ અધિકારીઓ જબલપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી એ હોસ્પિટલની શોધખોળ કરી રહ્યા છે જેણે સિરમ ઈન્સ્ટિટ્યુટને ૧૦૦૦૦ કોરોના વેક્સીનનો ઓર્ડર આપ્યો હતો.

કારણકે અધિકારીઓનો દાવો છે કે, આ હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં. ૨૫ મેના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને એમપીની ૬ પ્રાઈવેટ હોસ્પિટલો પાસેથી વેક્સીન માટે ઓર્ડર મળ્યો હતો. જેમાં જબલપુરની મેક્સ હેલ્થ કેર નામની હોસ્પિટલ સામેલ હતી.આ હોસ્પિટલ પાસેથી આટલી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા બાદ હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા ચેક રવા માટે આરોગ્ય વિભાગની એક ટીમને જાણકારી મેળવવાનો આદેશ મંત્રાલય તરફથી અપાયો હતો. એ પછી જબલપુરના સબંધિત અધિકારી હોસ્પિટલ ક્યાં છે તે શોધવા નિકળ્યા હતા. જોકે હોસ્પિટલ તો દૂરની વાત છે પણ આ નામનુ કોઈ ક્લિનિક પણ જબલપુરમાં મળ્યુ નહોતુ.

આખરે અધિકારીએ ભોપાલ હેડક્વાર્ટરને જાણકારી આપીને કહ્યુ હતુ કે, આવી કોઈ હોસ્પિટલ જબલપુરમાં છે નહીં. હવે સવાલ એ છે કે, આખરે કોણે આટલી મોટી માત્રામાં વેક્સીનનનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર આપનારાએ આખરે ખોટુ એડ્રેસ કેમ આપ્યુ હતુ.

આરોગ્ય વિભાગ પાસે માહિતી નથી કે, સીરમ ઈન્સ્ટિટ્યટે આ ઓર્ડર પ્રમાણે વેક્સીન રવાના કરી છે કે નહીં. તેમની જાણકારી વગર શહેરમાં કોઈ હોસ્પિટલ વેક્સીન લગાવી શકે નહી. હાલમાં તો વેક્સીનના કાળાબજાર સાથે આ મામલો જોડાયો હોવાની શક્યતા નથી. હવે આ બોગસ હોસ્પિટલની જાણકારી મેળવવા વધારે ટીમોને કામે લગાડવામાં આવી છે.

(12:00 am IST)