Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

દેશમાં ૧૬ જૂનથી હોલમાર્કિંગ વિનાના ઘરેણાં નહીં વેચી શકાય

સોનાની શુધ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરંટી : ફક્ત ૧૪, ૧૮, ૨૨ કેરેટ સોનાના દાગીના વેચવા મંજૂરી

નવી દિલ્હી, તા. ૯ : આગામી ૧૬ જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યરૂપથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમય મર્યાદા ૧ જૂનથી લંબાવીને ૧૫ જૂન સુધીની કરી દીધી હતી. મતલબ કે, ૧૫ જૂન બાદ ઝવેરીઓને ફક્ત ૧૪, ૧૮ અને ૨૨ કેરેટ સોનાના આભૂષણો વેચવાની જ મંજૂરી મળશે. બીઆઈએસ એપ્રિલ ૨૦૦૦થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે. હાલ આશરે ૪૦ ટકા સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ થઈ રહ્યું છે.

એક નિષ્ણાતના કહેવા પ્રમાણે આ નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકને ઠગી નહીં શકાય. સોનાની શુદ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરન્ટી હશે.

ગોલ્ડ હોલમાર્કિંગની ઘરમાં રહેલા સોના પર કોઈ અસર નહીં પડે. ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશે. હોલમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટેનો જરૂરી નિયમ છે. તેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે.

હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જોઈશું તો ઘરેણા પર ૫ માર્ક જોવા મળશે. તેમાં મ્ૈંજી લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે ૨૨ા અથવા ૯૧૬, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.

(12:00 am IST)