Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કેન્દ્ર સરકારના દબાણ સામે

આખરે ટ્વીટર ઝુકયું નવા IT નિયમો માનવા તૈયાર

નવી દિલ્હી તા. ૧૦ : નવા આઇટી નિયમો બાબતે કેન્દ્ર સરકારના કડક વલણની અસર હવે દેખાવા લાગી છે. કેન્દ્ર સરકારના કડક વલણ પછી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર નવા આઇટી નિયમો માનવા તૈયાર થઇ ગયું છે. ટવીટરે સરકારને પત્ર લખીને કહ્યું છે કે નવા આઇટી નિયમો અનુસાર મુખ્ય અનુપાલન અધિકારીની નિમણૂંકને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે ગત દિવસોમાં કેન્દ્ર સરકારે ટવીટરને આખરી ચેતવણી આપી હતી અને નિયમ ન માનવા બદલ પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું કહ્યું હતું.

ઓફિશ્યલ સૂત્રોએ જણાવ્યું કે, ટવીટરે સરકારને પત્ર લખીને કહ્યું છે કે, નવા નિયમો અંગેની વધારાની માહિતી એક સપ્તાહમાં સરકારને સોંપી દેવાશે. ૫ જૂને સરકારની અંતિમ નોટીસના જવાબમાં ટવીટરે કહ્યું કે, તે નવા દિશાનિર્દેશોનું પાલન કરવા માટેના ઉચિત પ્રયાસો કરી રહ્યું છે. પણ મહામારીની વૈશ્વિક અસરના કારણે આમ કરવામાં અસમર્થ રહ્યું છે.

ગત દિવસોમાં કેન્દ્ર સરકારની નોટીસમાં કહેવાયું હતું કે, આ આખરી ચેતવણી છે. હજુ પણ નિયમોનું પાલન નહીં થાય તો આઇટી કાનૂન અને અન્ય દંડાત્મક કાનૂનો હેઠળ ટવીટર સામે કાર્યવાહી કરવામાં આવશે. ટવીટરનો ઇન્ટરમીડિયરીનો દરજ્જો ખતમ કરી શકાય છે, જેનાથી ટવીટરને મળેલી ઘણી છૂટછાટો બંધ થઇ જશે. તેનાથી ટવીટર માટે ભારતમાં સંચાલન કરવું અઘરૃં થઇ જશે.

મંત્રાલયે કહ્યું હતું કે, આ નિયમો ૨૬ મે ૨૦૨૧થી જ અમલમાં આવી ગયા છે પણ સદ્ભાવના હેઠળ ટવીટરને એક આખરી નોટીસ દ્વારા નિયમો પાળવાની તક આપવામાં આવી છે. તેણે તાત્કાલિક નિયમોનું પાલન કરવાનું જો તે નિષ્ફળ જશે તો તેને જે છૂટછાટો આપવામાં આવી છે તે પાછી ખેંચી લેવામાં આવશે સાથે જ તેણે આઇટી કાયદા અને દંડાત્મક જોગવાઇઓ હેઠળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

(10:55 am IST)