Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બાળકોની સારવારની ગાઇડલાઇન્સ જાહેરઃ નહીં થાય રેમડિસિવિરનો ઉપયોગ

સમજી-વિચારીને જ સિટી સ્કેનનો ઉપયોગ કરવામાં આવેઃ સ્ટીરોઇડ અંગે પણ મહત્વની સૂચના

નવી દિલ્હી, તા.૧૦: કોરોનાની ત્રીજી લહેર બાળકોમાં ખતરનાક સાબિત થવાની આશંકાઓ વ્યકત કરવામાં આવી રહી છે. તેને ધ્યાને લઈ સરકારોએ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે બાળકોની સારવાર સંબંધી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બાળકોમાં રેમડિસિવિર ઇન્જેકશનનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સારવાર દરમિયાન સ્ટીરોઇડનો ઉપયોગ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં કરવો ખૂબ જરૂરી છે. સાથોસાથ મેડિકલ સલાહ વગર સ્ટીરોઇડનો ઉપયોય બિલકુલ ન કરવો જોઈએ.

આ ઉપરાંત સિટી સ્કેનનો ઉપયોય પણ સમજી-વિચારીને કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરોએ બાળકોના સિટી સ્કેન કરાવતી વખતે ખૂબ સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. બીજી તરફ, રેમડેસિવિર ઈન્જેકશનના ઉપયોગને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકસી ડેટા ન હોવાના કારણે બાળકોમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

નોંધનીય છે કે, વિશેષજ્ઞો આશંકા વ્યકત કરી ચૂકયા છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞો મુજબ દેશમાં કોરોનાની પહેલ લહેર વૃદ્ઘો માટે ખતરનાક બની હતી, જયારે બીજી લહેર યુવા વસ્તી માટે ખતરનાક સાબિત થઈ. વિશેષજ્ઞોનું માનીએ તો કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ કારણે બાળકોના વેકસીનેશનને લઈને પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતની સ્વદેશી વેકસીન કોવેકસીનની નિર્માતા કંપની ભારત બાયોટેકને બાળકોમાં ટ્રાયલની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. ભારત બાયોટેક તરફથી આ ટ્રાયલ ૫૨૫ સ્વયંસેવકો પર કરવામાં આવશે. આ ટ્રાયલમાં ૨થી ૧૮ વર્ષના બાળકોને સામેલ કરવામાં આવશે.

(10:21 am IST)