Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

GST : રિટર્ન ગુડ્ઝની માઇનસમાં એન્ટ્રી કરવાની જાહેરાત દોઢ વર્ષે પણ કાગળ પર

વેચેલો માલ પરત આવે તો એન્ટ્રી કરવાની જાહેરાત કરવામાં આવી હતી

નવી દિલ્હી,તા. ૧૦: વેપારીએ માલ વેચ્યા બાદ તે પૈકી કેટલોક માલ પરત આવે તો તેવા કિસ્સામાં જીએસટી રિટર્ન ભરતી વખતે માઇનસમાં રિટર્ન ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ વાતને દોઢ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુ પણ પોર્ટલ પર સુવિધા કાર્યરત કરવામાં આવી નથી. તેના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે.

કોરોનાના સમયમાં વેપારીઓ દ્વારા વેચવામાં આવતા માલ કરતા પરત આવતો માલ વધારે હોય છે. તેમાં પણ ખાસ કરીને કાપડઉદ્યોગ સાથે સંકળાવેલા વેપારીઓ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજયમાં મોકલવામાં આવતી સાડી, ડ્રેસ મટીરિયલ્સ સહિતનો માલ ત્રણથી ચાર મહિના બાદ પરત આવતો હોય છે. આવા કિસ્સામાં જીએસટી રિટર્ન ભરવામાં સમસ્યા સર્જાતી હતી.

જેથી વેપારીનો માલ પરત આવે તો જીએસટીનું ૩બી રિટર્ન ભરવામાં માઇનસમાં તે આંકડા ભરી શકાય તેવી સુવિધા આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જેથી જીએસટી કાઉન્સિલ દ્વારા દોઢેક વર્ષ અગાઉ તેની જાહેરાત કરીને રિટર્ન આવતા માલનો ટેકસ અગાઉથી જ ભરી દીધો હોવાથી માઇનસમાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાની જાહેરાત કરી હતી.

એક જ વસ્તુનો બે વખત ટેકસ ભરવાની સ્થિતિ સર્જાઇ શકે

કાપડઉધોગ સાથે સંકળાયેલા વેપારીઓના માલ પરત વધુ માત્રામાં આવતા હોય છે. જોકે, આ પેટેનો જીએસટી અગાઉ ભરપાઇ કરી જ દીધો હોય છે. પરંતુ પરત આવતા માલ ફરીથી વેચવામાં આવે તો બીજી વખત ટેકસ ભરવાની સ્થિતિ ઊભી થઇ શકે તેમ છે. જેથી આ સુવિધા ઝડપથી ચાલુ થાય તે દિશામાં સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવવા જોઇએ.

(10:21 am IST)