Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોરોના વાઇરસ પર 'સર્જિકલ સ્ટ્રાઇક'ની જેમ ત્રાટકો

બોમ્બે હાઇ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ

મુંબઇ,તા.૧૦: સમાજ માટે હાલમાં કોરોના વાઇરસ એક દુશ્મન સમાન છે અને સીમા પર બેસીને વાઇરસ આવવાની રાહ જોવાને બદલે કેન્દ્ર સરકારે 'સર્જિકલ સ્ટ્રાઇક'ની જેમ તેના પર ત્રાટકવું જોઇએ, એમ હાઇ કોર્ટે બુધવારે જણાવ્યું હતું.

આ સિવાય હાઇ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ઘરની પાસે વેકિસનેશન સેન્ટરની યોજના એવી છે જેમ કે સેન્ટર સુધી કોરોના પહોંચે ત્યાં સુધી તેની રાહ જોતા રહેવું. 'કોરોના વાઇરસ આપણો સૌથી મોટો શત્રુ છે. તેને તોડી પાડવાની જરૂર છે. આ શત્રુ અમુક વિસ્તારો અને લોકોમાં રહે છે જેઓ બહાર નીકળી શકતા નથી. તમારી સરકારનું વલણ આ તરફ 'સર્જિકલ સ્ટ્રાઇક'જેવું હોવું જોઇએ, પરંતુ તમારું વલણ કોરોના સીમા સુધી પહોંચે ત્યાં સુધી તેની રાહ જોતા રહેવા જેવું છે. તમે દુશ્મનના પ્રદેશમાં નથી દાખલ થઇ રહ્યા', એમ કોર્ટે કહ્યું હતું. સરકાર લોકોના કલ્યાણ માટે મોટા પાયે નિર્ણયો લીધા છે, પરંતુ તેમાં વિલંબ થયો છે અને તેને કારણે અનેકના જીવ ગયા છે, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું. ૭૫ વર્ષથી મોટી ઉંમરના વૃદ્ઘો તથા પથારીવશ લોકોને ઘરે-ઘરે જઇને વેકિસન આપવા સાથે બે વકીલ ધ્રુતી કાપડિયા અને કુનાલ તિવારી દ્વારા કરાયેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઇ કોર્ટે ઉકત નિવેદન કર્યું હતું. કેન્દ્ર સરકારે મંગળવારે કોર્ટને જણાવ્યું હતું કે હાલના તબક્કે ઘરે-ઘરે વેકિસન આપવાનું શકય નથી, પરંતુ લોકોને તેમના દ્યરની નજીક જ વેકિસન મળી રહે એવા પગલાં લેવામાં આવ્યા છે. બુધવારે કોર્ટે દ્યરે-દ્યરે જઇને વેકિસન આપવા માટે કેરળ, જમ્મુ-કાશ્મીર, બિહાર અને ઓડિશા તથા વસઇ-વિરાર પાલિકા જેવી અમુક મહાપાલિકાના ઉદાહરણ પણ આપ્યા હતા. આવું અન્યો રાજયોમાં પણ શરૂ કેમ ન થઇ શકે? જે રાજયો અને પાલિકા આવી યોજના અમલમાં મૂકવા માગે છે તેની પાંખો કેન્દ્ર સરકાર બાંધી ન રાખી શકે, કારણ કે તેઓ કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોતા હોય છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૧મી જૂન સુધી મુલતવી રાખી હતી.

(10:42 am IST)