Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સોશિયલ મીડિયા પર ગેરબંધારણીય નિયંત્રણો નહિ, અત્યંત ખાસ કિસ્સામાં જ સરકારની સીધી દરમિયાનગીરી રહેશે

ચર્ચાના ચકડોળે ચડેલા મામલે કેન્દ્રીય માહિતી વિભાગના એડિશ્નલ ડાઇરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયાની અકિલા સાથે વાતચીત

રાજકોટ : ભારત સરકારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (Intermediary Guidelines & Digital Media Ethics Code) નિયમો, ૨૦૨૧ આ વર્ષે તારીખ  ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ થી લાગુ કરેલ છે. આ નવા IT નિયમોની ચર્ચા વિશ્વભરના મીડિયામાં થઇ રહી છે. કયાંક લોકો એને સરાહી રહ્યા છે તો કયાંક એવી દહેશત પણ વ્યકત કરી રહ્યા છે કે લોકતંત્રમાં મીડિયાને ગળેટૂંપો દેવાની સરકારની મંછા આમાં છતી થાય છે. ટ્વિટર અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તો સરકારને અદાલતમાં પડકારવામાં પણ આવી છે. તો બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ મક્કમતાથી આ નિયમો લાગુ કરવા કૃતસંકલ્પ દેખાય છે. આ નવા IT નિયમોના લેખાંજોખા માટે અકિલાએ ગુજરાત પ્રદેશના કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વડા એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયા સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રસ્તુત છે વાતચીતના મુખ્ય અંશો.

પ્રશ્ન-૧ : સરકારને ડિજીટલ મીડિયા નૈતિક સંહિતાના નિયમો બનાવવાની આવશ્યકતા કેમ ઉભી થઈ ?

જવાબ : ડિજીટલ પ્લેટફોર્મના સામાન્ય વપરાશકારોને ન્યાય આપવા, એમની ફરિયાદોનું નિરાકરણ લાવવા તથા નાગરિકોના મુળભૂત અધિકારોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં વ્યાજબી ન્યાય માટે સર્વોચ્ચ અદાલતે તા.૧૧-૧૨-૨૦૧૮ના એક આદેશમાં ભારત સરકારને જણાવ્યું હતું કે બાળ પોર્નોગ્રાફી, મહિલાઓનું અભદ્ર ચિત્રણ, બળાત્કાર અને સામૂહિક હિંસાની તસ્વીરો વગેરેના નિયંત્રણો અર્થે જરૂરી માળખુ ઘડવામાં આવે.

વળી, ૨૪-૦૯-૨૦૧૯ના રોજ સર્વોચ્ચ અદાલતે નવા નિયમો અધિસૂચિત કરવાની સમયાવધિ જણાવવા પણ કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. જેમ પ્રિન્ટ મીડિયા માટે પ્રેસ કાઉન્સિલ એકટ અને ઈલેકટ્રોનિક મીડિયા માટે કેબલ ટેલિવિઝન એકટની જોગવાઈ છે, તેવી જ રીતે ડિજીટલ મીડિયાને સમસ્તરીય પ્લેટફોર્મ હેઠળ લાવવા માર્ગદર્શક નિયમોની જરૂર પણ હતી.

ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમે હવે એક ચળવળનું રૂપ લઇ લીધું છે જે સામાન્ય ભારતીયોને ટેકનોલોજીની તાકાતથી સશકત બનાવે છે. મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ વગેરેના અત્યંત વ્યાપક પ્રસારના કારણે સંખ્યાબંધ સોશિયલ મીડિયાને ભારતમાં પગદંડો જમાવવા માટે સક્ષમ બનાવ્યા છે.

આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સામાન્ય ભારતીયોને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે, પ્રશ્નો પૂછવા માટે અને માહિતગાર રહેવા માટે તેમજ તેમના અભિપ્રાયોનું મુકત રીતે આદાનપ્રદાન કરવા માટે સમર્થ બનાવ્યા છે જેમાં સરકાર અને તેમની કામગીરી અંગે ટીકા-ટિપ્પણીઓ જેવી બાબતો પણ સમાવિષ્ટ છે. સરકાર દરેક ભારતીયોના ટીકા કરવાના અને અસંમતિ દર્શાવવાના તેમના અધિકારને લોકશાહીના આવશ્યક ઘટક તરીકે આદર આપે છે. ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટો ખુલ્લો ઇન્ટરનેટ સમાજ ધરાવે છે અને સરકાર સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં પરિચાલન કરવા માટે આવકારે છે, તેમને વ્યવસાય કરવા માટે અને નફો રળવા માટે આવકારે છે. જોકે, તેમણે ભારતના બંધારણ અને કાયદાઓનું જવાબદારીપૂર્ણ પાલન કરવું આવશ્યક છે.

સોશિયલ મીડિયાનો ફેલાવો એક તરફ નાગરિકોને સશકત બનાવે છે તો સામે પક્ષે તેના કારણે કેટલીક ગંભીર ચિંતાઓ, પરિણામો પણ ઉભા થાય છે જેમાં તાજેતરમાં કેટલાક વર્ષોમાં અનેકગણો વધારો થયો છે. સંસદ અને તેની સમિતિઓ, ન્યાયિક આદેશો તેમજ દેશના જુદા જુદા ભાગોમાં નાગરિક સમાજની ચર્ચા-વિચારણા સહિતના વિવિધ મંચોમાં આ ચિંતાઓનો અવાજ સમયે-સમયે ઉઠાવવામાં આવ્યો છે. આવી ચિંતાઓ આખી દુનિયામાં પણ ઉભી થઇ છે અને આ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.

પ્રશ્ન-૨ : તાજેતરમાં ટવીટર (twitter) અને વોટ્સએપ સાથે કેન્દ્ર સરકાર સંઘર્ષમાં આવી હોવાના  અહેવાલ છે. તથ્ય શું છે ?

જવાબ-૨: ૨૫.૦૨.૨૦૨૧ના રોજ નિયમો સૂચિત કરાયા ત્યારે આ તમામ ઈન્ટર મીડીયરી (મધ્યસ્થી)ને ત્રણ મહિનાનો સમય અપાયો હતો. દરમિયાન ફરિયાદ-નિવારણ માળખુ સ્વયંભુ ઘડવાનું જણાવવામાં આવ્યું હતું. વોટ્સએપ દ્વારા આ નિયમોની અનદેખી કરાઈ, સમયાવધિના અંતે દિલ્હી હાઈકોર્ટમાં એક પીટીશન કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ આવ્યો કે નિયમોનું પાલન કરવામાં આવે. ટ્વીટર (twitter)ને કેન્દ્ર સરકારે શરૂઆતમાં ૧૫ દિવસ આપી બાદમાં નોટિસ જારી કરી છે. જો ટ્વીટર (twitter) નિયમોનું પાલન નહીં કરે તો ઈન્ટર મીડીયરી તરીકેની માન્યતા રદ કરી કાનુન ભંગ થતો હોય એવા કિસ્સામાં કંપનીને જવાબદાર ઠેરવી ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઈન્ટર મિડીયરીને આવી ગુનાહિત જવાબદારીમાંથી મુકિત આપવામાં આવી છે.

પ્રશ્ન-૩ : સરકાર દ્વારા કરાયેલ કઈ ખાસ જોગવાઈ ટ્વીટર અને વોટ્સએપ દ્વારા પડકારાઈ છે ?

જવાબ : કાનૂન ભંગ થતો હોય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં પ્રથમ વખત મૂકનાર ઓરિજિનેટરની માહિતી પોલિસ તપાસમાં આપવામાં આવે તેવી આ જોગવાઈ ટ્વીટર કંપની પાળવા માંગતી નથી. ટ્વીટર અને વોટ્સએપની દલીલ છે કે આનાથી વ્યકિતની સ્વતંત્રતા અને વાણીની  અભિવ્યકિત ઉપર બિનલોકતાંત્રિક રીતે તરાપ મારવામાં આવી છે. વાસ્તવમાં આ દલીલ ખોટી છે. કારણ કે આ કંપનીઓ જયાંથી ઓપરેટ કરે છે તે અમેરિકા જેવા લોકશાહી દેશમાં પણ મેસેજ ઓરિજિનેટર અંગેની માહિતી આપવી ફરજિયાત છે અને ટ્વીટર આપે જ છે.

પ્રશ્ન-૪ : નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયા ઉપર સરકારી નિયંત્રણ કડક હશે એવી દહેશત કેટલે અંશે વ્યાજબી છે ?

જવાબ : બિલકુલ નહી : સોશિયલ મીડિયા ઉપર બિનલોકતાંત્રિક અને ગેરબંધારણીય નિયંત્રણ લાદવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. માત્ર ગુનાહિત કેસોમાં કસૂરવારનું પગેરું મેળવવા તેમજ સામાન્ય વપરાશકારો એટલે કે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા અત્યાર સુધી સંપૂર્ણપણે સ્વ-નિયંત્રણવિહીન સોશિયલ મિડિયાને સરળ નિયમનકારી માળખુ સ્વતૅં ઉભુ કરવા માર્ગદર્શક નિયમો ઘડાયા છે. અત્યંત ખાસ કિસ્સામાં જ સરકારની સીધી દરમિયાનગીરી જોવા મળશે જેમાં અપવાદરૂપ કિસ્સા તરીકે કોઈ પણ મેસેજ અથવા સામગ્રી હટાવવાનું વ્યાપક દેશહિતાર્થે અથવા લોક  હિતાર્થે અનિવાર્ય જણાય. ડીજીટલ નૈતિક આચારસંહિતા મીડિયા દ્વારા સ્વનિયંત્રણને જ પ્રોત્સાહન આપે છે, નહીં કે સરકારી નિયંત્રણને.

પ્રશ્ન-૫ : ઓટીટી પ્લેટફોર્મ માટેના નિયંત્રણો કેવા છે ?

જવાબ : નેટકક્ષીકસ, એમેઝોન પ્રાઈમ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવતી સામગ્રી ઘણીવાર બાળકોના મનને પ્રદૂષિત કરતી હોય છે. હિંસા,જાતીયતા વગેરે ઉપરની અભદ્ર સામગ્રીથી સમાજની સંસ્કારિતા ઉપર થયેલું આક્રમણ ખાળવા આ નિયમોની જોગવાઈ અનુસાર સામગ્રીને વર્ગીકૃત કરીને બતાવવાની રહેશે. જેમાં ૫ શ્રેણી બનાવાઈ છે. U (તમામ માટે), U/A 7+, U/A 13+, U/A 16+, અને A (પુખ્ત).

પ્રશ્ન-૬ : સોશિયલ મીડિયા મધ્યસ્થીઓએ મુખ્યત્વે કયા નિયમોનું પાલન કરવું પડશે ?

જવાબ : વપરાશ કર્તાની સંખ્યાને આધારે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓની બે શ્રેણી બનાવાઈ છે. નાની સંખ્યા ધરાવતા મધ્યસ્થીઓએ ફરિયાદ નિવારણ વ્યવસ્થા તંત્ર બનાવવું પડશે. આના માટે એક ફરિયાદ અધિકારીની નિમણૂંક કરાશે જેની તમામ વિગતો જાહેર કરવાની રહેશે. ફરિયાદ અધિકારી તેમને ફરિયાદ મળ્યાના ૨૪ કલાકમાં ફરિયાદ મળી હોવાનું સ્વીકારશે અને તે પ્રાપ્ત થવાના ૧૫ દિવસમાં તેનો ઉકેલ  લાવશે. ખાસ કરીને મહિલાઓ સહિત તમામ વપરાશકર્તાઓની ઓનલાઇન સલામતી અને ગરિમા સુનિશ્ચિત કરવી જરૂરી છે. કોઈ પણ વ્યકિતના ખાનગી શરીર ભાગોને જાહેર કરતી સામગ્રી, આવી વ્યકિતઓની સંપૂર્ણ અથવા આંશિક નગ્નતા બતાવતી સામગ્રી અથવા જાતિય ચેષ્ટા અથવા મોફિંગ કરેલી તસવીરો વગેરે સહિત નકલ કરવાનો પ્રકાર દર્શાવતી સામગ્રી અંગે મળેલી ફરિયાદોના ૨૪ કલાકમાં મધ્યસ્થી તેને દૂર કરશે અથવા લોકોની પહોંચથી દૂર કરશે. આવી ફરિયાદો કોઈ પણ વ્યકિત અથવા તેમના/તેણીના વતી અન્ય કોઈ વ્યકિત દ્વારા દાખલ થઈ શકે છે.

નવા આઈટી નિયમો

કેન્દ્રના નવા આઈટી નિયમો ૫૦ લાખથી વધુ યુઝર્સ હોય તેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ પડે છે.

   સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નોડલ ઓફિસરની નિમણૂક ફરજિયાત છે.

   ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી ફરજિયાત છે.

   મુખ્ય ફરિયાદ અધિકારીની ફરજિયાત નિમણૂક, જે દર મહિને સરકારને કેટલા યુઝર્સ ફરિયાદ કરી અને કેટલી ફરિયાદોનો ઉકેલ લવાયો તે જણાવશે.

    ભારત સરકાર, રાજય અથવા લોકો સામે જોખમી હોય તેવા મેસેજના સંદર્ભમાં સૌથી પહેલો મેસેજ કરનાર વ્યકિતનું નામ સરકારને આપવું પડશે.

   કોઈ યુઝરની ફરિયાદ પર ૨૪ કલાકમાં એનકલોઝ કરી ટ્રેકિંગ નંબર જનરેટ કરી ૧૫ દિવસમાં ફરિયાદનો ઉકેલ લાવવાનો રહેશે.

   ન્યુડીટી, પોર્નોગ્રાફી જેવા ફૂલેગ કરાયેલ કન્ટેન્ટને ૨૪ કલાકમાં પ્લેટફોર્મ પરથી દૂર કરવાના રહેશે.

 પ્રશ્ન-૭ : ડિજિટલ પબ્લીસર્સ દ્વારા ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર સ્થાપવાની કઈ જોગવાઈ છે ?

જવાબ : આ નિયમો હેઠળ ડિજિટલ પબ્લીશર્સ માટે ત્રિસ્તરીય ફરિયાદ-નિવારણ વ્યવસ્થાતંત્ર સ્થાપિત કરાશે અને સાથે અલગ-અલગ સ્તરના સ્વ-નિયમનો લાગુ કરવામાં આવ્યા છે.

સ્તર-૧ પ્રકાશકો દ્વારા સ્વ-નિયમન

સ્તર-૨ પ્રકાશકોના સ્વ-નિયમનકારી સંગઠનો દ્વારા સ્વ-નિયમન

સ્તર-૩ નિરીક્ષણ વ્યવસ્થાતંત્ર.

પ્રકાશકો દ્વારા સ્વ-નિયમનૅંપ્રકાશક ભારતમાં રહેતા એક ફરિયાદ નિવારણ અધિકારીના નિયુકિત કરશે જે તેમને પ્રાપ્ત થયેલી ફરિયાદોના નિવારણ માટે જવાબદાર રહેશે. અધિકારીને પ્રાપ્ત થયેલી દરેક ફરિયાદ અંગેનો નિર્ણય ૧૫ દિવસની અંદર તેઓ લેશે.

સ્વ-નિયમનકારી સંગઠનૅંપ્રકાશકોના એક અથવા વધુ સ્વ-નિયમનકારી સંગઠન હોઈ શકે છે. સર્વોચ્ય અદાલત અથવા ઉચ્ચ અદાલતના સેવાનિવૃત્ત્। ન્યાયાધીશ અથવા સ્વતંત્ર પ્રતિષ્ઠિત વ્યકિતના નેતૃત્વમાં આવા સંગઠનની અધ્યક્ષતા સંભાળવામાં આવશે અને તેમાં છથી વધુ સભ્યો નહીં હોય. આવી સંસ્થાએ માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે નોંધણી કરાવવાની રહેશે. આ સંસ્થા પ્રકાશક દ્વારા નૈતિકતા સંહિતાનું પાલન કરવામાં આવે તેનું નિરીક્ષણ કરશે અને પ્રકાશકો દ્વારા જે ફરિયાદોનો ઉકેલ ૧૫ દિવસમાં કરવામાં ન આવ્યો હોય તેવા નિવારણો કરશે.

નિરીક્ષણ વ્યવસ્થાતંત્રૅંમાહિતી અને પ્રસારણ મંત્રાલય એક નિરીક્ષણ પદ્ઘતિ તૈયાર કરશે. તે આચારસંહિતા સહિત સ્વ-નિયમનકારી સંગઠનો માટેના અધિકારપત્રને પ્રકાશિત કરશે. તે ફરિયાદોની સુનાવણી માટે આંતર વિભાદીય સમિતિની સ્થાપના કરશે.

પ્રશ્ન-૮ : આ નિયમોના સંભવિત કાયદા વિશે કંઈ કહેશો ?

જવાબ : પ્રિન્ટ, ટીવી, અને ડિજિટલ મીડિયા વચ્ચે લેવલ પ્લેચિંગ ફિલ્ડના ઉદેશ્ય સાથે રચાયેલા આ નિયમોથી મુખ્યત્વે ચાર ફાયદા થશે.

૧.  ઓડીયો વિજીયુલ સેકટરને પ્રોત્સાહન મળશે.

૨.  સામગ્રીની પસંદગીની બાબતમાં નાગરિકોનું સશકિતકરણ થશે તેમજ ફરિયાદ નિવારણ નિશ્ચિત સમયાવધિમાં શકય બનશે.

૩.  બાળકોને પોર્નોગ્રાફીની વિકૃતિથી બચાવી શકાશે તેમજ મહિલાઓના વિકૃત ચિત્રણ ઉપર અંકુશ રહેશે.

૪.  ફેક એટલે કે બનાવટી સમાચાર બાબતમાં ડિજિટલ પબ્લીશર્સ જવાબદારી નિશ્ચિત થઈ શકશે.

કોના કેટલા વપરાશકર્તા

.    વોટ્સઅપ  - ૫૩ કરોડ

.    યુ-ટયૂબ    - ૪૪.૮ કરોડ

.    ફેસબુક     - ૪૧ કરોડ

.    ઇન્સ્ટાગ્રામ - ૨૧ કરોડ

.    ટ્વીટર     - ૧.૭૫ કરોડ

(10:30 am IST)