Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ગુજરાતમાં નૈઋત્ય ચોમાસુ સત્તાવાર રીતે બેસી ગયુ

દક્ષિણ ગુજરાતમાં પ્રવેશઃ વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદઃ ૩૦મી સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ બેસી જશે : ૧૨થી ૧૫ જૂન દરમિયાન જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે

અમદાવાદ, તા. ૧૦ :. કૃષિ અને અર્થતંત્ર માટે મહત્વના એવા નૈઋત્ય ચોમાસાનુ ગુજરાતમાં દબદબાભેર આગમન થયુ છે. સામાન્ય રીતે ૧૫મી જૂન પછી ચોમાસુ ગુજરાતમાં બેસી જતુ હોય છે પરંતુ આ વખતે તેમનુ વહેલુ આગમન થયુ છે. દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયેલા ચોમાસાએ વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા નગર હવેલીમાં વરસાદ વરસાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ બેસી જશે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થતા વલસાડ જિલ્લામાં દે ધનાધન વરસાદ ખાબકયો છે. દાદરા નગર હવેલી વિસ્તારમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે.

૧૨મીથી ૧૫મી જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દિવ, અમદાવાદ, આણંદમા પણ હળવાથી ભારે વરસાદ પડવાની શકયતા છે.

ગુજરાતમાં આ વર્ષે ૧૦૩થી ૧૦૫ ટકા સુધી વરસાદ પડવાની આગાહી છે. છેલ્લા ૨ વર્ષથી સરેરાશ ૪૦ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

પ્રિ-મોન્સુન એકટીવીટી અંતર્ગત આજથી ૩ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાના સંજોગો છે.

(10:56 am IST)