Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

એઇમ્સ-એરપોર્ટ બાદ અમુલ : રાજકોટને મળશે એક વધુ ભેટ

રાજકોટમાં ૧૩૫ એકરમાં સ્થાપાશે અમુલનો જાયન્ટ પ્લાનઃ આણંદપર ગામની પસંદગીઃ પ્લાન્ટ વિશે આગામી કેબિનેટમાં મંજૂરી મળશે : અમુલ રોજનું ૨૫ લાખ લીટર દૂધ - આઇસ્ક્રીમ - બટર - ચીઝ - પનીર સહિતની આઇટમોનું ઉત્પાદન કરશે : કલેકટરશ્રી રેમ્યા મોહનના કાળમાં રાજકોટને પ્રથમ જબરો પ્રોજેકટ ફાળવાયો : રાજકોટના તમામ પ્રોજેકટ ઓનટાઇમ લાઇનમાં છે : આજ રીતે ચાલે તે માટે એજન્સી તથા તમામ ડીપાર્ટમેન્ટ સાથે સમયાંતરે મીટીંગો યોજવા સીએમની સૂચના

રાજકોટ તા. ૧૦ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરની મુખ્યમંત્રી સાથેની મીટીંગમાં રાજકોટના હિરાસર - એઇમ્સ સહિતના તમામ પ્રોજેકટ ઓનટાઇમ લાઇનમાં ચાલતા હોવાનો રીપોર્ટ અપાયો છે અને મુખ્યમંત્રી પણ સંતુષ્ઠ છે.

તેમણે જણાવેલ કે, હવે વધુ એક મહત્વનો પ્રોજેકટ રાજકોટને મળી રહ્યો છે, એશીયાની સૌથી મોટી અમૂલ ડેરી રાજકોટમાં આવી રહી છે, તેમને આણંદપર - નવાગામની ૧૩૫ એકર જમીન આપવા અંગે સરકારમાં દરખાસ્ત કરી દેવાઇ છે અને આગામી નેકસ્ટ કેબીનેટ મીટીંગમાં સરકાર પ્રોજેકટ - દરખાસ્તને મંજુરી આપશે. મુખ્યમંત્રીએ પણ ચાલી રહેલા તમામ પ્રોજેકટ ઓનટાઇમ લાઇન રહે તે માટે એજન્સી તથા તમામ ડીપાર્ટમેન્ટો સાથે ખાસ મીટીંગો કરવા સૂચના આપી છે.

કયા ભાવે જમીન અપાશે તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે, અમે સરકારમાં દરખાસ્ત મોકલી છે, કંપનીએ પ્રોસેસીંગ ફી ભરી છે, જમીન કયા ભાવે આપવી કે મફત આપવી તે સરકાર નક્કી કરશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમૂલ ડેરી શરૂ થતાં રોજનું ૨૫ લાખ લીટર દૂધનું ઉત્પાદન થશે, જે બાદમાં ૫૦ લાખ લીટરે લઇ જવાશે, ઉપરાંત આઇસ્ક્રીમ, વેલ્યુએડેડ બનાવટો, ચીઝ, પનીર, બટર સહિતની ચીજવસ્તુનું ઉત્પાદન થશે, અમૂલ આવતા આસપાસની સેંકડો દૂધ ઉત્પાદક મંડળીઓ, ગ્રામ્ય વિસ્તારને પુષ્કળ લાભ થશે, રોજગારી વધશે, ખાસ કરીને બહેનોની રોજગારી વધુ વધશે. ગામડાઓની ઇકોનોમી વધશે. અત્રે નોંધનીય છે કે કલેકટરના વર્ષના કાળમાં અમૂલ ડેરીનો જબરો પ્રોજેકટ ફાળવાયો છે, જે અત્યંત મહત્વનો બની રહેશે.

(3:11 pm IST)