Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હવે બાબા રામદેવ વેકસીન લેવા માટે તૈયાર

એલોપેથી વિવાદ બાદ બાબા રામદેવના બદલાયા સૂર : ડોકટર ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દૂત

નવી દિલ્હી તા. ૧૦ : બાબા રામદેવ અને એલોપથીનો વિવાદ હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બાબા રામદેવ વેકિસન સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે. તેમના વિવાદ અને વાયરલ વિડીયોમાં બાબા રામદેવ પર સવાલો ઉઠ્યા હતા કે તેઓ વેકિસનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ રામદેવે હવે કહ્યું છે કે તેઓ જલ્દી જ વેકિસન લેશે.

આ સાથે જ રામદેવે કહ્યું છે કે યોગ કોરોનાથી થનારી જટિલતાથી બચાવે છે. યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરો. તમને જણાવી દઈએ કે PM મોદીએ ૨૧ જુનથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકિસન ફ્રી આપવાની જાહેરાત કરી છે. ત્યારે રામદેવનું કહેવું છે કે દવા જ નહીં, ટેસ્ટ અને ઓપરેશન માફિયા પણ છે. જે દર્દીઓને લુંટી રહ્યા છે.

રામદેવે કહ્યું કે તેની લડાઈ ખોટા કામ કરનારા લોકો સામે છે. તેમજ રામદેવે જણાવ્યું કે તે ફેસબુક અને ટ્વીટર પર જેનેરિક દવાનું લીસ્ટ મુકાશે. જે દવા માત્ર ૨ રૂપિયામાં વેચાય છે. જયારે બ્રાન્ડેડ કંપનીઓની દવા અનેક ઘણી મોંઘી છે.

રામદેવે કહ્યું કે કેટલાક ખરાબ ડોકટર મોંઘી દવા જ દર્દીઓને લખી આપે છે. તેમજ રામદેવે આરોપ લગાવ્યો છે બ્રાન્ડેડ કંપનીની દવા લખનારા ડોકટર કમીશન ખાય છે. જેનેરિક દવા ના લખીને સાલ્ટની મોંઘી દવા જ લખે છે. રામદેવે તેમ પણ કહ્યું કે તેમનો આ ખેલ બંધ કરાવવા માટે કોર્ટ પણ જઈશ.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ બુધવારે યોગગુરૂ રામદેવ વિરૂદ્ઘ ભારતીય ચિકિત્સા અનુસંધાનન પરિષદને પત્ર લખ્યો. પત્રમાં આઇએમએએ બાબા રામદેવ પર બિનજરૂરી રીતે આધુનિક દવાનો અપમાન કરવાનો અને ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે.

આઇએમએએ પત્રમાં લખ્યું છે કે યોગ ગુરુ રામદેવ જાહેરમાં નિવેદનો આપીને ડોકટરો અને આધુનિક દવાઓની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ આઈસીએમઆર દ્વારા તૈયાર કરેલા જીવન બચાવના પ્રોટોકોલની મજાક ઉડાવી રહ્યા છે. દેશમાં રોગચાળા દરમિયાન ડોકટરો અને સ્વાસ્થ્ય વ્યાવસાયિકોએ તેમની ફરજ સારી રીતે નિભાવી છે. પરંતુ રામદેવની આવી વાતોથી તેમના મનોબળ પર ખરાબ અસર પડશે.

(3:24 pm IST)