Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ચાવાળાએ મોદીને દાઢી બનાવવા માટે ૧૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલ્યો : 'જો વધારવું હોય તો રોજગાર વધારો'

'હું મારી કમાણીમાંથી ૧૦૦ રુપિયા મોકલી રહ્યો છું: દાઢી બનાવી લો...', લોકડાઉનમાં કામ ઠપ્પ થઈ ગયું તો પરેશાન ચાવાળાએ વડાપ્રધાનને પત્ર લખ્યો.... : બારામતીની ચાવાળાએ વડાપ્રધાનને મનીઓર્ડર મોકલ્યોઃ હોસ્પિટલની બહાર ચાની લારી ચલાવતો હતો યુવકઃ લોકડાઉનને કારણે ઠપ્પ થઈ ગયા ધંધા-રોજગાર

બારામતી, તા.૧૦: મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાઢી કરવા માટે ૧૦૦ રુપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામની આ વ્યકિતનું કહેવું છે કે, લોકડાઉનને કારણે અનેક લોકોનું કામ ઠપ્પ થઈ ગયું છે, રોજગાર બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં વડાપ્રધાને જો કંઈ વધારવું હોય તો તે રોજગારી વધારે.

તેમણે કહ્યું કે, હું મારી કમાણીમાંથી ૧૦૦ રુપિયા મોકલી રહ્યો છું જેથી વડાપ્રધાન મોદી દાઢી બનાવી લે. તેમણે કંઈ વધારવું જ હોય તો દાઢી વધારવા કરતા રોજગાર વધારે. લોકોની સ્વાસ્થ્યની સુવિધા માટે વેકિસનેશન સેન્ટર વધારે. લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરે.

ઉલ્લેખનીય છે કે અનિલ એક ખાનગી હોસ્પિટલની બહાર ચાની દુકાન ચલાવતા હતા. પાછલા દોઢ વર્ષથી લોકડાઉનને કારણે તેમનું કામ બંધ થઈ ગયું છે. પોતાની સમસ્યાથી કંટાળીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો જ પત્ર લખી કાઢ્યો અને તેમાં પોતાની માંગ રજૂ કરી.

અનિલ કહે છે કે, વડાપ્રધાન દેશના સર્વોચ્ચ નેતા છે. મારા મનમાં તેમના માટે સન્માનની ભાવના છે. તેમને પરેશાન કરવા એ મારો ઉદ્દેશ્ય નથી. પરંતુ લોકડાઉનને કારણે લાખો લોકો પરેશાન છે. તેમણે મની ઓર્ડરના માધ્યમથી ૧૦૦ રુપિયા અને આ પત્ર મોકલ્યો છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે, કોરોનાને કારણે જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યકિતના પરિવારને પાંચ લાખ રુપિયાની મદદ આપવામાં આવે અને પ્રત્યેક પરિવારને ૩૦,૦૦૦ રુપિયાની મદદ આપવાની પણ માંગ કરી છે.

(3:59 pm IST)