Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

આશારામ બાપુને જામીન આપશો નહીં : તે અમારી હત્યા કરાવી નાખશે : બળાત્કાર મામલે જેલવાસ ભોગવી રહેલા આશારામ બાપુએ જામીન માંગતા પીડિતાના પિતાની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : અમે ભયથી ફફડી રહ્યા છીએ : દેશમાં આ ગોડમેનના લાખો અંધ અનુયાયીઓ છે : આ અગાઉ તેમના વિરુદ્ધ જુબાની આપનાર 10 સાક્ષીઓ ઉપર હુમલા થયા છે : ભાડુતી મારાઓ મારફત 3 સાક્ષીઓના મોત નિપજાવ્યા છે : ખુબ વગ ધરાવતી આ વ્યક્તિને તબીબી કારણોસર પણ જામીન ન આપવા અરજ ગુજારી


ન્યુદિલ્હી : બળાત્કાર મામલે જેલવાસ ભોગવી રહેલા આશારામ બાપુએ તબીબી કારણોસર જામીન માંગતા બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના પિતાએ બાપુને જામીન ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજ ગુજારી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે ભયથી ફફડી રહ્યા છીએ. અમને ડર છે કે બાપુના અનુયાયીઓ અમારી હત્યા કરી શકે છે.

એડવોકેટ ઉત્સવ બેન્સ દ્વારા દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે આસારામ બાપુ ખૂબ વગ  ધરાવતી વ્યક્તિ છે. તેઓ અનેક આગેવાનો સાથે રાજકીય રીતે જોડાયેલા છે "અને દેશભરમાં લાખો અંધ અનુયાયીઓ ધરાવે  છે. ગોડમેન પાસે ભાડુતી મારાઓ છે, જેણે સાક્ષીઓની હત્યા કરી હતી તેમજ પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી કે બાપુએ અમને  આદેશ આપ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમના વિરુદ્ધ જુબાની આપનાર 10  સાક્ષીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને તેમાંથી 3 મૃત્યુ પામ્યા છે . જો તમને જામીન આપવામાં આવશે તો તેઓ બળાત્કારનો ભોગ બનેલ મહિલા અને સાક્ષીઓની હત્યા કરાવવાનો તખ્તો ગોઠવશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન હાઇ કોર્ટે આશારામ બાપુના જામીન નામંજૂર કરતા  તેમણે આયુર્વેદિક સારવાર માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ જામીન માંગ્યા છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:53 pm IST)