Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

Kooનું માર્કેટ ઊંચકાયું :ટ્વીટર પર પ્રતિબંધ બાદ નાઈજીરિયાની સરકારે ભારતીય એપ અપનાવી

Kooએ નાઈજીરિયામાં પોતાની સર્વિસ શરૂ કરવાનું એલાન કર્યું : સ્થાનિક ભાષાને સાંકળવા પ્રયાસ

નવી દિલ્હી: નાઈજીરિયાની સરકારે એક સપ્તાહ પહેલા ટ્વીટરને અનિશ્ચિત મુદ્દત માટે બેન કરી દીધી હતી. ટ્વીટર પર પ્રતિબંધના સમાચારના થોડા સમય બાદ જ ભારતની માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Kooનું માર્કેટ ઊંચકાયું છે.અગાઉ Kooની સર્વિસ નાઈજીરિયામાં શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી  જે બાદ હવે નાઈજીરિયાની સરકારે Kooને જૉઈન કરી લીધી છે  Koo 

Kooએ નાઈજીરિયામાં પોતાની સર્વિસ શરૂ કરવાનું એલાન કરતા કહ્યું હતું કે, તે પોતાના પ્લેટફોર્મ પર ત્યાંથી સ્થાનિક ભાષાને સાંકળવા પર કામ કરી રહ્યું છે.

જો કે નાઈજીરિયાની સરકારે કહ્યું છે કે, ટ્વીટર સસ્પેન્ડ કરવા મામલે સમાધાન કરવા માટે વાતચીત કરવા માંગે છે. નાઈજીરિયાના ઈન્ફોર્મેશન અને કલ્ચર મિનિસ્ટર લાઈ મોહમ્મદે કહ્યું કે, તેમને ટ્વીટર તરફથી એક સંદેશ મળ્યો છે. જેમાં તેણે સરકાર સાથે વાતચીત કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 

થોડા દિવસ પહેલા નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુખારીએ એક ટ્વીટમાં ગૃહયુદ્ધનો ઉલ્લેખ કરતા પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, જે લોકો આજે ખરાબ વર્તન કરી રહ્યાં છે, તેમને તેમની ભાષામાં જ સમજાવવા જોઈએ, જે ભાષામાં તેઓ સમજે છે.

ટ્વીટરે 1 જૂને આ ટ્વીટને એવું કહીને હટાવી દીધુ કે, તે કંપનીની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જે બાદ સરકાર અને ટ્વીટર વચ્ચે સબંધો વણસ્યા હતા. નાઈજીરિયાએ ટ્વીટર પર દેશને નબળો પાડવાનો આરોપ લગાવીને તેના પર બેન મૂકી દીધો.

ભારતમાં કેન્દ્ર સરકાર અને ટ્વીટર વચ્ચે નવા આઈટી નિયમો સહિત અનેક મુદ્દે તનાવ ચાલી રહ્યો છે. જો કે ટ્વીટરે આખરે નમતુ જોખીને નવા નિયમોનું પાલન કરવા તૈયારી દર્શાવી છે. જો કે આમ છતાં સરકાર સાથેના તેના સબંધો બગડ્યા જરૂર છે.

આ દરમિયાન Koo માઈક્રોબ્લોગિંગનો એક વિકલ્પ બનીને ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત વિપક્ષના નેતાઓ પણ Koo જોઈન કરી ચૂક્યાં છે. નાઈજીરિયાની સરકારના પ્લેટફોર્મ પર આવવાથી Kooની ભારતમાં પોઝિશન શ્રેષ્ઠ બનવાની સંભાવના પ્રબળ બની છે.

ગત મહિને Kooએ ટાઈગલ ગ્લોબલના નેતૃત્વમાં સીરીઝ-બી ફંડિગ થકી 30 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. Koo માત્ર એક વર્ષમાં 60 લાખ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ ફંડિંગના કારણે Koo પ્લેટફોર્મની વેલ્યુએશનમાં 5 ગણી વૃદ્ધિ થઈ ગઈ છે. હવે તેની વેલ્યૂ 100 મિલિયન ડોલર પર પહોંચી ગઈ છે

(7:32 pm IST)