Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજકીય આગેવાનો માટે અલગ અને સામાન્ય નાગરિક માટે અલગ નિયમ હોઈ શકે નહીં : કોવિદ -19 લોકડાઉન વચ્ચે મંદિરની મુલાકાતે ગયેલા યેદુરપ્પાના પુત્ર અંગે કર્ણાટક હાઇકોર્ટની ટકોર

કર્ણાટક : કોવિદ -19 લોકડાઉન વચ્ચે 18 મેના રોજ મુખ્યમંત્રીના પુત્ર વિજયેન્દ્રએ મૈસુરુ જિલ્લાના નાંજંગુડમાં આવેલા એક મંદિરની મુલાકાત લીધી હતી . જેના અનુસંધાને  કર્ણાટક હાઇકોર્ટએ જણાવ્યું હતું કે રાજકીય આગેવાનો માટે અલગ અને સામાન્ય નાગરિક માટે અલગ નિયમ હોઈ શકે નહીં .

મુખ્ય ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકાના નેતૃત્વ હેઠળની ડિવીઝન બેંચે મૌખિક રૂપે ઉપરોક્ત અભિપ્રાય આપ્યો હતો.

એડવોકેટ જી.આર.મોહન દ્વારા મેમો ફાઇલ કરવામાં આવ્યા બાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો, જેમણે રજૂઆત કરી હતી કે, વિજયેન્દ્રની મંદિરની મુલાકાત લોકડાઉન  પ્રતિબંધોનું અમલ કરી રહેલા અન્ય નાગરિકો વચ્ચે  આર્ટિકલ 14 નો ભંગ છે.

સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવદગીએ કોર્ટને માહિતી આપી હતી કે વિજયેન્દ્ર મૈસુરના મંદિરે દર્શન કરવા ગયા હતા, જ્યારે તેઓ સત્તાવાર રીતે કોવિદ -19 ફરજ પર હતા.

નામદાર કોર્ટે રાજ્ય સરકારને ડેપ્યુટી કમિશનર (ડીસી) નો રિપોર્ટ રેકોર્ડ પર રજૂ કરવા સૂચના આપી હતી, જેમણે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આગામી સુનાવણી 18 જૂને  થશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)