Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ધાર્મિક ગ્રંથો, દેવી-દેવતાઓ પર ટિપ્પણ કરનારો રેપર ઝડપાયો

આપઘાતની ઘોષણા કરી બે જૂને રેપર અચાનક ગાયબ થયો : રેપ સોંગ ગાનારો કલાકાર ગૂમ થયાની માતાએ ફરિયાદ નોંધાવી હતી, પોલીસને જબલપુરથી અંતે મળી આવ્યો

નવી દિલ્હી, તા. ૧૦ : ગીતા, મહાભારત પર અને દેવી દેવતાઓ પર વિવાદિત ટિપ્પણી કરનાર રેપર એમ સી કોડ ઉર્ફે આદિત્ય તિવારી આખરે મધ્યપ્રદેશના જબલપુરમાંથી મળી આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ગૂમ હોવાના કારણે તેની માતાએ પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.

હવે દિલ્હી પોલીસની એક ટીમ તેને ફરી દિલ્હી લઈ આવવા માટે કાર્યવાહી કરી રહી છે. રેપ સોંગ ગાનાર કલાકારનો જુનો વિડિયો વાયરલ થયો હતો અને તેમાં તે દેવી દેવતાઓ પર તેમજ ગીતા અને મહાભારત જેવા ધર્મગ્રંથો પર ટિપ્પણી કરતો નજરે પડી રહ્યો હતો. પછી સોશિયલ મીડિયા પર તેની લોકોએ ઝાટકણી કાઢવાની શરૂ કરી હતી.

એમસી કોડે ૨૦૧૬માં ૧૭ વર્ષની વયે ગીતા,મહાભારત, ગાયો અને હિન્દુઓ પર અપમાનજનક ટિપ્પણીઓ પોતાના રેપ સોંગમાં કરી હતી. જેનો વિડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પછી રેપરને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી હતી અને તેની ધરપકડની પણ માંગ થઈ રહી હતી. લોકોએ તેની ભાષા સામે ભારે વિરોધ કર્યો હતો. પછી એમ સી કોડે વિડિયોને જૂનો બતાવીને માફી પણ માંગી હતી. જોકે તેની સામે વિરોધ વધતો ગયો હતો. પછી આત્મહત્યાની જાહેરાત કરીને બે જૂને કોડ અચાનક ગાયબ થઈ ગયો હતો. પોલીસે હવે પરિવારજનોએ નોંધાવેલી અપહરણની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

દિલ્હીમાં વસંતકુંજમાં રહેતા કોડની માતાએ ફરિયાદ નોંધાવી હતી અને સાથે સાથે એમસી કોડ દ્વારા લખાયેલી સુસાઈડ નોટ પણ પોલીસને આપી હતી. પોતાની પોસ્ટમાં એમ સી કોડે લખ્યુ હતુ કે હું સતત દુખ અને વ્યથાનો સામનો કરી રહ્યો છું.

(7:41 pm IST)