News of Tuesday, 21st March 2023
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આજે વિધાનસભામાં રજૂ થનારા દિલ્હી સરકારના વર્ષ 2023-24ના બજેટને રજૂ કરવા પર મનાઈ ફરમાવી દીધી છે. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે મહેરબાની કરીને બજેટ પર મનાઈ ફરમાવશો નહીં. તમે દિલ્હીની જનતાથી કેમ નારાજ છો. દેશના 75 વર્ષમાં પહેલી વખત કોઈ રાજ્યનું બજેટ અટકાવવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે દિલ્હીની જનતા હાથ જોડીને તમને પ્રાર્થના કરી રહી છે કે અમારું બજેટ પસાર થઈ જાય.
મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે AAP સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે અને પૂછ્યું છે કે બજેટ પ્રસ્તાવમાં જાહેરાત માટે વધુ નાણાં કેમ રાખવામાં આવ્યા છે. આ સાથે દિલ્હી સરકારે કહ્યું કે ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ કાર્યો માટે અપેક્ષા કરતાં ઓછી રકમ ફાળવવાના મામલની ટીકા કરી છે. તે ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં જાહેરાતો પાછળ વધુ ખર્ચ શા માટે કરવામાં આવી રહ્યો છે તેનો પણ દિલ્હી સરકાર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. જ્યાં સુધી દિલ્હી સરકાર તેનો જવાબ આપશે નહીં ત્યાં સુધી ગૃહ મંત્રાલય તેને પડતર રાખશે.
દિલ્હીના નાણાં મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારને બજેટ રજૂ કરતા અટકાવી હોય તેવું ભારતના ઈતિહાસમાં આ પહેલી વખત બન્યું છે. તેમનો આક્ષેપ છે કે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે 17 માર્ચે મુખ્ય સચિવને પત્ર લખીને બજેટ વિશે ચિંતા વ્યક્ત કરતા તેને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
દિલ્હી સરકારે દાવો કર્યો છે કે ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે. કુલ બજેટ 78800 કરોડ રૂપિયા છે. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રૂ.22000 કરોડનો ખર્ચ થશે. જાહેરાતો પાછળ માત્ર રૂ. 550 કરોડ ખર્ચવામાં આવશે. ગયા વર્ષે પણ જાહેરાતનું બજેટ આટલું જ હતું. દિલ્હી સરકારે જાહેરાતના બજેટમાં કોઈ વધારો કર્યો નથી.