Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કિંમતોની જલ્દી થશે જાહેરાત

બજારમાં ૭૦૦થી ૧૦૦૦ રૂપિયે મળી શકે છે કોરોનાની રસી

થોડાક સમયમાં રસી ખુલ્લા બજારોમાં મળશે : કંપનીઓએ રસીની કિંમતને લઇને મોટી જાહેરાત નથી કરી : થોડાક સમયમાં રસી ખુલ્લા બજારોમાં મળશે

નવી દિલ્હી તા. ૨૧ : ભારતના રસીકરણમાં જલ્દી ફેરફાર થવાનો છે. થોડાક સમયમાં રસી ખુલ્લા બજારોમાં મળશે. કહેવામાં આવી રહ્યુ છે કે મોટાભાગે રસીની કિંમત ૭૦૦થી લઈને ૧ હજાર સુધીના પ્રતિ ડોઝ સુધી હોઈ શકે છે. હાલમાં સરકારને રસી ૨૫૦ પ્રતિ ડોઝના દરે મળી રહી છે. ખાસ વાત એ છે કે સરકાર આગામી ૧ મેથી ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસી લગાવવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી રસીની કિંમત ૭૦૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધી પ્રતિ ડોઝ મળી શકે છે. અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર અખબાર સાથેની વાતચીત દરમિયાન સીરમ ઈન્સ્ટીટ્યૂટ સીઈઓ અદાર પૂનાવાલાએ પહેલા કહ્યુ હતુ કે કોવિશીલ્ડની કિંમત એક હજાર રુપિયા પ્રતિ ડોઝ હોઈ શકે છે.  ત્યારે રશિયાની રસી સ્પુતનિક વીની આયાત કરવાની તૈયારીમાં લાગેલા ડો. રેડ્ડીજ રસીની કિંમત ૭૫૦ રૂપિયાની અંદર રાખી શકે છે.  જો કે આને લઈને હાલ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

અત્યાર સુધીમાં અનેક કંપનીઓએ ખુલ્લા બજારોમાં રસીની કિંમતને લઈને મોટી જાહેરાત નથી કરી. કહેવામાં આવી રહ્યુ છે કે આ એ વાત પર નિર્ભર રહેશે કે તે ખાનગી બજારોમાં કેટલી રસી વેચી શકે છે. આ ઉપરાંત નિકાસને લઈને વિચાર અને સપ્લાય ચેનના મુદ્દો પણ રસીની કિંમત નક્કિ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ ઉપરાંત કંપનીઓ રાજયોને રસીની કિંમતના સંબંધમાં મળનારા આદેશને લઈને કેન્દ્ર સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.

દેશમાં રસીકરણ ચાલુ છે. આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને જાણકારી આપી છે કે દેશમાં રસીકરણ ડોઝ લગાવવાનો આંકડો ૧૩ કરોડને પાર કરી ગયો છે. તેમણે આ વાતની જાણકારી ટ્વીટ કરી આપી છે. હાલમાં દેશમાં ૪૫ વર્ષથી વધારે ઉમંરના લોકોને રસી અપાઈ રહી છે. ત્યારે સરકારે અગામી ૧ મેથી ૧૮ વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને રસી લગાવવાનો નિર્ણય કર્યો છે.

(10:59 am IST)