Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મહિલા ડોકટરે રડતાં રડતાં કહ્યું:-'પહેલા આવી સ્થિતિ કયારેય નથી જોઈ'

તુટતા શ્વાસ-ઇલાજ માટે દર્દીઓની દોડધામ વચ્ચે મુંબઇના એક ડોકટરનો ઇમોશનલ વિડિયો વાયરલ : 'હાલ અમને ડોકટરોને પણ કયાંકને કયાંક ઇમોશનલ બ્રેકડાઉન થઈ રહ્યું છેઃ આથી જ તમારૂ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો'

મુંબઈ, તા.૨૧: દેશની હોસ્પિટલોમાં ઓકસીજન બેડ અને વેન્ટિલેટરની અછત વચ્ચે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક થઈ રહી છે. મંગળવારે દેશમાં ૨.૯૪ લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૨૦૨૦ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની હાલત સૌથી વધારે ખરાબ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હેલ્થ સેવા ભાંગી પડી છે. કોરોનાના દર્દીઓ દવા અને ઓકસીજન વગર તડપી તડપીને મોતને ભેટી રહ્યા છે. ડોકટરો પણ લાચાર છે. આ બધાની વચ્ચે ઇન્ફીશિયસ ડિસીઝ ફિઝીશિયન ડોકટર તૃપ્તિ ગિલાડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

વીડિયોમાં ડોકટર તૃપ્તિ ગિલાડી રડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, 'બહુ બધા ડોકટર્સની જેમ હું પણ પરેશાન છું. મુંબઈની હાલત તો ખૂબ જ ખરાબ છે. અહીં હોસ્પિટલોના ICUમાં જગ્યા નથી. અમે પહેલા આવી સ્થિતિ કયારેય નથી જોઈ. અમે અસહાય છીએ. વર્તમાન સ્થિતિમાં અમે બધા ડોકટરો પણ કયાંકને કયાંક ભાવુક થઈને ભાંગી રહ્યા છીએ. આથી તમારું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.

વીડિયોમાં ડોકટર ગિલાડા કહે છે કે, તમને છેલ્લા એક વર્ષથી કોરોના નથી થયો. તમે એવું માનો છો કે તમે સુપરહીરો છો, તમારી રોગપ્રતિકારક શકિત ખૂબ સારી છે, તો તમે ભ્રમમાં છો. અમે ૩૫ વર્ષના યુવાઓને પણ વેન્ટિલેટર પર જોઈ રહ્યા છીએ, જેમની સ્થિતિ ખૂબ નાજુક હોય.

ડોકટરે કહ્યુ કે, 'આવું પહેલા કયારેય નથી જોયુ, જયારે એકસાથે આટલા બધા લોકોનું ધ્યાન રાખવું પડે. અમે લોકોના ઘરોમાં ઓકસીજન લગાવીને વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે લોકોએ વેકસીનના બે ડોઝ લઈ લીધા છે તેમાં કોરોનાની ઇન્ફેકશન ઓછું દેખાઈ રહ્યું છે. તેમને હોસ્પિટલોમાં નથી દાખલ કરવા પડતા. સ્પષ્ટ છે કે રસી કોરોના સામે લડવા માટે મદદરૂપ થઈ રહી છે.

આ દરમિયાન ડોકટર ગિલાડા પોતાના આંસુઓને રોકવાનો પ્રયાસ કરતા ખૂબ જ ભાવુક થઈને કહે છે કે, 'હાલ અમને ડોકટરોને પણ કયાંકને કયાંક ઇમોશનલ બ્રેકડાઉન થઈ રહ્યું છે. આથી જ તમારું પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. ડરીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. અમુક લોકોને દાખલ કરવા જરૂરી છે, તેમના માટે બેડ નથી.

(11:07 am IST)