Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોના સંકટને કારણે બિહારમાં પંચાયત ચૂંટણી મોકૂફ : પખવાડિયા પછી સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાશે

રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે પંચાયત ચૂંટણી મોટી આફતને નોતરવા સમાન હતી.

બિહારમાં કોરોનાવાયરસના સંકટને ધ્યાનમાં રાખીને પંચાયત ચૂંટણી હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. એપ્રિલ મહિનાના અંતમાં યોજાનાર ચૂંટણી માટે હજી સૂચના જારી કરવાની હતી. જ્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સ્ટેટ ઈલેક્શન કમિશન દ્વારા હાલમાં જ પંચાયત ચૂંટણી રદ કરવામાં આવી છે. આગમી 15 દિવસ બાદ ફરીથી સ્થિતિની સમીક્ષા કરીને આગળ નિર્ણય લેવામાં આવશે.

જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લાના અધિકારીઓની સીએમ નીતિશ સાથે બેઠકમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને પંચાયત ચૂંટણી કરવાની અસમર્થતા જતાવવામાં આવી હતી. કોરોનાના કારણે રાજ્યમાં સ્વાસ્થ્ય સેવા ઉપર ખૂબ જ દબાણ ઊભું થઈ રહ્યું છે. રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે તેવામાં પંચાયત ચૂંટણી એક મોટી આફતને નોતરવા સમાન હતી. આથી હાલપૂરતી બિહારમાં પંચાયતની ચૂંટણી રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં પણ કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. મંગળવારે છેલ્લા 24 કલાકમાં 10000 થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં 1841 દર્દીઓનો જીવ કોરોના લઈ ચૂક્યો છે.

(7:37 pm IST)