Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જેટ એરવેઝને વિમાનસેવા ફરી શરૂ કરવાની મંજૂરી

નવી દિલ્‍હી,તા.૨૧: ડાયરેક્‍ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એજન્‍સીએ જેટ એરવેઝને આજે મંજૂર કર્યું છે એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી). આ મળવાથી એરલાઈન કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કરી શકશે.
પ્રુવિંગ ફલાઈટ્‍સ પ્રક્રિયા પૂરી કરી દેતાં જેટ એરવેઝને એઓસી ગ્રાન્‍ટ કરાયું છે. એઓસી મેળવવા માટે કોઈ પણ એરલાઈન માટે પ્રુવિંગ ફલાઈટ્‍સ આખરી પગલું હોય છે. આ માટે વિમાન દ્વારા કુલ પાંચ લેન્‍ડિંગ્‍સ (ફલાઈટ્‍સ) કરવાનું રહે છે, તો જ પ્રુવિંગ ફલાઈટ્‍સ પ્રક્રિયા પૂર્ણ થાય. જેટ એરવેઝે ગયા મંગળવારે દિલ્‍હી-હૈદરાબાદ-દિલ્‍હી રૂટ પર બોઈંગ ૭૩૭ વિમાનમાં ડીજીસીએના અધિકારીઓ સહિત ૩૧ જણ સાથેની બે પ્રુવિંગ ફલાઈટ્‍સના બીજા સેટનું સંચાલન કર્યું હતું. એ પહેલાં, ગયા રવિવારે તેણે આ જ વિમાન દ્વારા દિલ્‍હી-મુંબઈ, મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-દિલ્‍હી, એમ ત્રણ પ્રુવિંગ ફલાઈટ્‍સના પહેલા સેટનું સંચાલન કર્યું હતું.
ઉદ્યોગપતિ નરેશ ગોયલની માલિકીની એરલાઈન કંપની જેટ એરવેઝ ૨૦૧૯થી બંધ કરી દેવામાં આવી હતી. તેની છેલ્લી ફલાઈટનું સંચાલન ૨૦૧૯ના ૧૭ એપ્રિલે કરાયું હતું. હવે જેટ એરવેઝની પ્રમોટર છે જાલન-કેલરોક કન્‍સોર્ટિયમ. જેટ એરવેઝ આ વર્ષના જુલાઈ-સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કરવા ધારે છે.

 

(11:21 am IST)