Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

આરબીઆઇ સરકારને ટ્રાન્‍સફર કરશે ૩૦,૩૦૭ કરોડ રૂપિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાના બોર્ડ ઓફ ડાયરેકટર્સે સરકારને ૩૦,૩૦૭ કરોડ રૂપિયાનું સરપ્‍લસ આપવાના પ્રસ્‍તાવને મંજૂરી આપી દીધી

મુંબઇ તા. ૨૧ : રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના બોર્ડ ઓફ ડાયરેક્‍ટર્સે સરકારને ૩૦,૩૦૭ કરોડ રૂપિયાનું સરપ્‍લસ આપવાના પ્રસ્‍તાવને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે આરબીઆઈ બોર્ડની થયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે. આ સરપ્‍લસ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે છે. બોર્ડે આકસ્‍મિક જોખમ બફર (કંટિજેંસી રિસ્‍ક બફર ) ૫.૫ ટકા પર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
આરબીઆઈએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, સેન્‍ટ્રલ બેંક ઓફ ડાયરેક્‍ટર્સની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્‍યું છે કે, સરપ્‍લસ ફંડને ડિવિડેંડ તરીકે સરકારને ટ્રાંસફર કરવામાં આવશે. ગવર્નર શક્‍તિકાંત દાસની અધ્‍યક્ષતામાં સેન્‍ટ્રલ બોર્ડની ૫૯૬મી બેઠક થઈ હતી
મે ૨૦૨૧માં રિઝર્વ બેંકે જૂલાઈ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધી ૯ મહિના માટે સરકારને ૯૯,૧૨૨ કરોડ રૂપિયાનું ડિવિડેંડ આપવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ આરબીઆઈએ ડિવિડેં માટે પણ નાણાકીય વર્ષના આધાર પર ચુકવણી કરવાની વ્‍યવસ્‍થા લાગૂ કરી દીધી હતી. આ અગાઉ કેન્‍દ્રીય બેંકે જૂલાઈ-જૂનના સમયગાળાના આધાર પર ડિવિડેંડની જાહેરાત કરતી હતી.
આરબીઆઈ સેન્‍ટ્રલ બોર્ડની બેઠકમાં હાલની આર્થિક સ્‍થિતિની સમીક્ષા કરી હતી. તેમાં દેશની આર્થિક સ્‍થિતિ ઉપરાંત વૈશ્વિક પડકારો અને હાલના જિયો-પોલિટિકલ ઘટનાક્રમની સંભવિત અસરનું પણ આકલન કાઢવામા આવ્‍યું હતું. આ ઉપરાંત પાછલા નાણાકીય વર્ષમાં આરબીઆઈના કામકાજની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના વાર્ષિક રિપોર્ટ તથા ખાતાની પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરતા કેન્‍દ્રીય બેંક અને સરકારના માલિકીવાળી બીજી બેંકોમાંથી ૭૩,૯૪૮ કરોડ રૂપિયાનું ડિવિડેંડ મળવાનું અનુમાન લગાવ્‍યું હતું

 

(12:08 pm IST)