Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની સુનાવણી કરનાર ન્યાયાધીશની બદલી :સર્વે કરવાનો આપ્યો હતો આદેશ

અલ્હાબાદ હાઈકોર્ટની વાર્ષિક ટ્રાન્સફર લિસ્ટમાં રવિ કુમાર દિવાકરનું નામ પણ સામેલ:સિનિયર ડિવિઝનના 121 સિવિલ જજની બદલી કરાઈ

વારાણસી જ્ઞાનવાપી વિવાદની સુનાવણી કરનાર જજ રવિ કુમાર દિવાકરની બદલી કરવામાં આવી છે. સિનિયર ડિવિઝન સિવિલ જજ રવિ કુમાર દિવાકરની વારાણસીથી બરેલી બદલી કરવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટની વાર્ષિક ટ્રાન્સફર લિસ્ટમાં રવિ કુમાર દિવાકરનું નામ પણ સામેલ છે.અત્રે ઉલ્લેખનીય કે સિનિયર ડિવિઝનના 121 સિવિલ જજની આજે બદલી કરવામાં આવી છે.

રવિ કુમાર દિવાકર જ્ઞાનવાપી વિવાદની સુનાવણી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પર સુનાવણી હવે જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કરવામાં આવી છે. રવિ કુમાર દિવાકરે અગાઉ વિવાદિત જગ્યાના સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. સર્વેના છેલ્લા દિવસે શિવલિંગ મળવાના દાવા પર જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનાને પણ સીલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ટ્રાન્સફર કરાયેલા તમામ ન્યાયાધીશોએ 4 જુલાઈની બપોર સુધીમાં તેમની ફરજો સંભાળવી પડશે. અલ્હાબાદ હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ આશિષ ગર્ગે ટ્રાન્સફર લિસ્ટ જાહેર કર્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રવિ કુમાર દિવાકરને પણ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. ન્યાયાધીશ દિવાકરે આ સંબંધમાં અધિક મુખ્ય સચિવ (ગૃહ), પોલીસ મહાનિર્દેશક અને પોલીસ કમિશનર વારાણસીને પત્ર લખીને ધમકીની જાણકારી આપી હતી. અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં દિવાકરે લખ્યું છે કે આ પત્ર તેમને કાશિફ અહમદ સિદ્દીકીએ ઈસ્લામિક અગાઝ મૂવમેન્ટ વતી મોકલ્યો છે.

(12:12 am IST)