Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

અગ્નિપથ યોજનાના વિરોધને કારણે રેલવેને ૧૦૦૦ કરોડનું નુકસાન

અગ્નિપથ યોજનાના વિરોધમાં આંદોલનકારીઓએ રેલવેને સૌથી વધુ નુકસાન પહોંચાડયુ છે : ટ્રેનની બોગી ઉપરાંત રેલવે સ્‍ટેશન વગેરેને પણ તેઓએ ઘણુ નુકસાન કર્યું છે : ૬૦૦ જેટલી ટ્રેનો રદ્દ કરવી પડી

નવી દિલ્‍હી,તા. ૨૧ : કેન્‍દ્ર સરકારની ત્રણેય સેનાઓમાં ભરતીની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશમાં અનેક જગ્‍યાએ રેલવેની સંપત્તિઓને નુકસાન થયું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ રેલવેના ઘણા કોચ અને કોઈક જગ્‍યાએ આખી ટ્રેનને જ સળગાવી દીધી છે, તો ઘણા સ્‍ટેશનોમાં ટોડફોડ પણ કરી છે. જેના કારણે ભારતીય રેલને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત નુકસાનીના ભયને કારણે રેલવેને ઘણી ટ્રેનો રદ્દ પણ કરવી પડી છે.
અગ્નિપથ યોજનાના વિરોધને કારણે રેલવેને ૬૦૦ જેટલી ટ્રેનો રદ્દ કરવી પડી છે. ૫૯૫ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે જેમ ૨૦૮ મેલ એક્‍સપ્રેસ અને ૩૭૯ પેસન્‍જર ટ્રેનો સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી તો ૪ મેલ એક્‍સપ્રેસ અને ૬ પેસન્‍જર ટ્રેનો આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. ટ્રેનો રદ્દ થવાને કારણે અને રેલ સંપત્તિને નુકસાન થવાને કારણે ઇન્‍ડિયન રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં  આંદોલનકારીઓએ રેલવેને સૌથી વધુ નુકસાન પહોંચાડ્‍યું છે. ટ્રેનની બોગી ઉપરાંત રેલ્‍વે સ્‍ટેશન વગેરેને પણ તેઓએ ઘણું નુકસાન કર્યું છે. રેલ્‍વેના એક અધિકારીના જણાવ્‍યા અનુસાર, વિરોધના ૩ દિવસ પછી બિહારમાં જ રેલ્‍વેને અત્‍યાર સુધીમાં લગભગ ૭૦૦ કરોડનું નુકસાન થયું છે. તો દેશના અન્‍ય ભાગોમાં થઈને રેલવેને કુલ ૧૦૦૦ કરોડ કરતા વધુનું નુકસાન થયું છે.
આ વિરોધનું સૌથી ઉગ્ર સ્‍વરૂપ બિહારમાં જ જોવા મળ્‍યું છે. બિહારમાં પ્રદર્શનકારીઓ દ્વારા અત્‍યાર સુધીમાં ૬૦ બોગી અને ૧૧ એન્‍જીન સળગાવી દેવામાં આવ્‍યા છે. તેમની અંદાજિત કિંમત લગભગ ૭૦૦ કરોડ રૂપિયા છે. આટલા પૈસામાં બિહારને લગભગ ૧૦ નવી ટ્રેન મળી શકી હોત. વિરોધ અટકતો ન જોઈને, હવે રેલ્‍વેએ પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્‍ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને અહીં રાત્રે ૮ વાગ્‍યાથી સવારના ૪ વાગ્‍યા સુધી જ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

 

(9:50 am IST)